1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવસારી કૃષિ યુનિવર્સિટીના 19મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં 667 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત
નવસારી કૃષિ યુનિવર્સિટીના 19મા વાર્ષિક  દીક્ષાંત સમારોહમાં 667 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

નવસારી કૃષિ યુનિવર્સિટીના 19મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં 667 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

0
Social Share

ગાંધીનગરઃ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 19મો પદવીદાન સમારોહ રાજયપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમની સાથે ગુજરાત રાજયના કૃષિ મંત્રી  રાઘવજી પટેલ વર્ચ્યુઅલ  માધ્યમથી જોડાયા હતા.

રાજયપાલ  આચાર્ય દેવવ્રતજીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના 19 મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને શુભકામના પાઠવી કૃષિ વૈજ્ઞાનિકોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નૂતન સંશોધનો કરી કૃષિ સમૃદ્વિનો નવો માર્ગ કંડારે.

રાજયપાલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સમયની માંગ અને પડકારોને મૂલવી પરિવર્તન માટે સજ્જ થવું પડશે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યાં છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પ્રદુષિત થઇ રહયાં છે. જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. કૃષિ ખર્ચ સતત વધી રહયો છે અને ઉત્પાદન ઘટી રહયું છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. ખેતી અને ખેડૂતની સમૃદ્વિ માટે રાસાયણિક કૃષિના વિકલ્પને શોધવો આજના સમયની માંગ છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે અપનાવવાથી કૃષિક્ષેત્રે નવી ક્રાંતિ આવશે. તેમણે સમર્થ અને સશકત રાષ્ટ્રનાં નિર્માણમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

રાજયપાલએ આ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનારા યુવા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી, યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. કૃષિ મંત્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કૃષિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે,  ઉદ્યમી જગતના તાતની આવક વધે તથા કૃષિક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે રાજય સરકાર પગલાં લઇ રહી છે. પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ બન્યું છે. વિકસિત ભારત માટે કૃષિ અને કૃષિકારો આત્મનિર્ભર બને તે જરૂરી છે.

પ્રારંભમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઝેડ.પી.પટેલે સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યવાહીની ઝાંખી કરાવી હતી. ડૉ. પટેલે સ્નાતક-અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમનું ભાવિ ઉજ્જવળ બને તેવી શુભેચ્છાઓ પાઠવી કૃષિ ક્ષેત્રના વર્તમાન અને ભાવિ પડકારોને પહોંચી વળવા નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવાની સાથે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા શીખ આપી હતી.

આ પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ્દ હસ્તે 36 તેજસ્વીં વિદ્યાર્થીઓને કુલ 52 ચંદ્રકો  એનાયત કરવામાં આવ્યા  હતા. નવસારી કૃષિ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજના પ્રોફેસરોને બેસ્ટ ટીચર તરીકેના પાંચ ઍવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code