
નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર લગભગ 7 ટકા રહેવાનું અનુમાન
નવી દિલ્હીઃ‘ધ ઈન્ડિયન ઈકોનોમીઃ અ રિવ્યુ’ 2024ના અહેવાલ અનુસાર સ્થાનિક માંગની મજબૂતાઈએ અર્થતંત્રને છેલ્લા ત્રણ વર્ષમાં સાત ટકાથી વધુના વિકાસ દર તરફ દોર્યું છે. નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ દર લગભગ 7 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. આ સાથે મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, ભારત આગામી ત્રણ વર્ષમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
નાણા મંત્રાલયે જાહેર કરાયેલા ‘ધ ઈન્ડિયન ઈકોનોમીઃ અ રિવ્યૂ’ 2024ના અહેવાલમાં જણાવ્યું હતું કે સ્થાનિક માંગની મજબૂતાઈએ અર્થવ્યવસ્થાને છેલ્લા ત્રણ વર્ષમાં સાત ટકાથી વધુના વિકાસ દર તરફ દોર્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 7 ટકાની આસપાસ રહેવાની શક્યતા છે, જેમાં નાણાકીય વર્ષ 2030 સુધીમાં સાત ટકાથી વધુ વૃદ્ધિનો મોટો અવકાશ છે.
દેશના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરનનાં કાર્યાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા આ સમીક્ષા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત આગામી ત્રણ વર્ષમાં પાંચ ટ્રિલિયન ડૉલરની GDP સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. રિપોર્ટ અનુસાર, સતત સુધારાથી ભારતનો જીડીપી વર્ષ 2030 સુધીમાં સાત ટ્રિલિયન ડોલરના આંકડા સુધી પહોંચી જશે.
નાણાં મંત્રાલયે વચગાળાના બજેટની રજૂઆતના બે દિવસ પહેલા જાહેર કરાયેલા જાન્યુઆરી મહિનાના અર્થતંત્રના તેના સમીક્ષા અહેવાલમાં જણાવ્યું હતું કે કોરોના રોગચાળાની અસર અને મેક્રો-ઈકોનોમિક અસંતુલનનો વારસો અને ખંડિત નાણાકીય ક્ષેત્ર છતાં, નાણાકીય વર્ષ 2023-24માં $3.7 ટ્રિલિયનનું રોકાણ અપેક્ષિત છે. અંદાજિત જીડીપીની દૃષ્ટિએ ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત સરકારે વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત દેશ’ બનવાનું મોટું લક્ષ્ય રાખ્યું છે. જો સુધારાની યાત્રા ચાલુ રહેશે તો આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે.