
રાજકોટઃ જિલ્લામાં અવાર-નવાર વનરાજોના આંટાફેરાને લીધે જિલ્લાનો બૃહદગીર વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી વન વિભાગ દ્વારા સિંહોના કાયમી વસવાટની યોજના અંતર્ગત ગોંડલના ધરાડા-દેરડી-ખંભાલીડા, કાગવડ અને મસીતાળામાં 15 થી 20 પાણીના અવેડા બનાવાશે. તેમજ 200 જેટલા વોચટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના જુદા જુદા વિસ્તારોનો સત્તાવાર રીતે બૃહદ ગીરમાં પણ સમાવેશ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સિંહ અને દિપડાઓની સતત અવર-જવર વધી ગઇ છે. ત્યારે સિંહો તથા દિપડાઓનો આ વિસ્તારોમાં કાયમી વસવાટ થઇ શકે તે માટે વન વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. જેના ભાગરુપે ખાસ કરીને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ધારાડા, દેરડીકુંભાજી, ખંભાલીડા, કાગવડ અને મસીતાળાના રેવન્યુ વિસ્તારમાં કે જ્યાં સૌથી વધુ સિંહો આવી રહ્યા છે. આ વિસ્તારો પર વન વિભાગ દ્વારા વધુ તકેદારી રાખવામાં આવી રહી છે.
વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, ગોંડલના ધરાડા, દેરડી, ખંભાલીડા, કાગવડ અને મસીતાળા, સહિતના વિસ્તારોમાં વન વિભાગની ટીમો દ્વારા તાજેતરમાં સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અંતર્ગત ઉપરોક્ત વિસ્તારમાં સિંહોને કાયમ માટે અને ખાસ કરીને ઉનાળાના પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં હાલમાં 15 થી 20 જેટલા પાણીના અવેડા ઉભા કરવાની કામગીરી પૂરજોશમાં શરુ કરી દેવાઇ છે. આ ઉપરાંત સિંહ સહિતના જંગલી જનાવરો ઉપર નજર રાખવા માટે 200 જેટલા વોચટાવરો પણ ઊભા કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઉપરોક્ત વિસ્તારમાં 15 થી 20 જેટલા વોચટાવર બની પણ ગયા છે. સાથોસાથ સિંહોના રક્ષણ માટે વન વિભાગ દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં ખુલ્લા કૂવા બાંધવાની પણ શરુઆત કરી દેવામાં આવી છે.