ભાવનગરઃ રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચરણો સામે નારાજ થયેલા ક્ષત્રિય સમાજે ભાજપ સામે પાર્ટ-2 આંદોલન શરૂ કર્યું છે. જે અંતર્ગત ધર્મરથ પ્રસ્થાન કરવામાં આવી રહ્યા છે. જેમાં મંગળવારે ભાવનગરના સુપ્રસિદ્ધ ખોડીયાર મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે ત્રણ દિવસ દરમિયાન ગોહિલવાડના ગામડાંમાં ધર્મરથ ફરશે.
લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો હતો. તેના વિરોધમાં લોકોને જાગૃત કરવા ક્ષત્રિય સમાજે મોરચો માંડ્યો છે. ગોહિલવાડના વિવિધ ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લામાં કુલ ચાર ધર્મરથ પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ ગોહિલવાડમાં ગામેગામ ફરશે. અને ભાજપ વિરૂદ્ધમાં મતદાન માટે લોકોને અપીલ કરવામાં આવશે.
ભાવનગરના સુપ્રસિદ્ધ ખોડીયાર મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા, આ સાથે જ વલભીપુર તાલુકાના પછેગામ ગામ અને પાલીતાણા તાલુકાના અયાવેજ ખોડીયાર મંદિરથી ધર્મરથ પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો, આ ધર્મરથ ત્રણ દિવસ સુધી દરેક ગામો ગામ ફરશે, અને ક્ષત્રિય સમાજ વિશે જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે તેના વિરોધમાં લોકોને જાગૃત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ નારાજ બનતા રૂપાલાએ બે-ત્રણવાર જાહેરમાં માફી માગી હતી. પણ ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગણી કરી હતી. પણ ભાજપ મક્કમ રહેતા ક્ષત્રિય સમાજ ભાજપ સામે પડ્યો છે. ક્ષત્રિય સમાજની બહેનોએ ઉપવાસ આંદોલન ત્યારબાદ ક્ષત્રિય સમાજના સંમેલનો યોજાયા હતા. હવે ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાવનગરના ખોડિયાર મંદિરથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.