
રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરના કેટલાક જિલ્લાઓમાં બ્લેકઆઉટ
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બુધવારે મોડી રાત્રે કાશ્મીર,પંજાબ અને રાજસ્થાન પર પાકિસ્તાને ડ્રોન એટેક જ નહીં, પણ મિસાઇલો છોડી હતી. આ જોતાં કેન્દ્ર સરકારે આદેશ કરતાં ગઈકાલે મોડી રાત્રે કચ્છમાં બ્લેકઆઉટ કરાયું હતું.
આજે ફરી રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં બ્લેકઆઉટનો આદેશ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે પાકિસ્તાને પંજાબ-રાજસ્થાન અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ડ્રોન એટેક અને મિસાઇલ હુમલો કરતાં કેન્દ્રીય ગૃહ વિભાગે સરહદી વિસ્તારોને સતર્ક રહેવા આદેશ આપ્યો હતો. કેન્દ્રના આદેશને પગલે નલિયા,નખત્રાણા સહિત સમગ્ર કચ્છમાં અંધારપટ છવાયો હતો. શહેરી વિસ્તારોમાં જ નહી, ગ્રામ્ય વિસ્તારોમાં ય લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. સ્થાનિક તંત્રે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી. સમગ્ર સરહદી વિસ્તારોમાં લશ્કરી દળોએ મોરચો સંભાળ્યો છે. પાકિસ્તાનની તમામ લશ્કરી હરકત પર બાજ નજર રાખવામાં આવી છે. ભૂજ એરપોર્ટ પર વાયુસેના એલર્ટ પર છે. કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા સેના સજ્જ છે.