બાંગ્લાદેશઃ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનનો વચગાળાના સરકારના વડા યૂનુસ પર અપમાન કરવાનો આરોપ
બાંગ્લાદેશમાં ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય મોરચે મોટો બળવો થયો છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને વચગાળાની સરકારના વડા મોહમ્મદ યૂનુસ પર પોતાનું અપમાન કરવાનો અને બંધારણીય સત્તા છીનવી લેવાનો ગંભીર આરોપ મૂક્યો છે. રાષ્ટ્રપતિ શહાબુદ્દીન (જેમનો કાર્યકાળ 2028 સુધીનો છે)એ એક ઇન્ટરવ્યૂમાં વ્યથિત થઈને રાજીનામું આપવા પર વિચાર કરી રહ્યા હોવાની વાત કહી છે. 76 વર્ષીય રાષ્ટ્રપતિ શહાબુદ્દીને જણાવ્યું હતું કે, “હું માત્ર નામનો રાષ્ટ્રપતિ છું. છેલ્લા 7 મહિનાથી વચગાળાની સરકારે મને કોઈ રિપોર્ટ આપ્યો નથી.” તેમણે ફરિયાદ કરી કે તેમની તસવીર દૂતાવાસોમાંથી હટાવી દેવામાં આવી છે અને તેમને કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન કરવાની છૂટ નથી. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિને સૈન્ય બાબતોના વડા માનવામાં આવે છે. શહાબુદ્દીને યૂનુસ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “યૂનુસ પોતે મને મળવા આવતા નથી. મારા પત્રોનો કોઈ જવાબ આપવામાં આવતો નથી. સરકારનો પૂરો પ્રયાસ મારો અવાજ દબાવવાનો છે.”
બાંગ્લાદેશની વચગાળાની સરકાર હાલમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવાની વાત કરી રહી છે. આ સંજોગોમાં રાષ્ટ્રપતિએ યૂનુસ સરકાર પર ખુલ્લેઆમ લગાવેલા આ આરોપોથી સરકાર બેકફૂટ પર જશે તે નિશ્ચિત છે. સરકારે હજી સુધી રાષ્ટ્રપતિના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. શહાબુદ્દીને ખુલીને જે રીતે નિવેદન આપ્યું છે, તેનાથી શેખ હસીનાની આવામી લીગના કાર્યકરોમાં એવો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે કે તેઓ જ્યાં છે ત્યાંથી અવાજ ઉઠાવી શકે છે. વધુમાં, રાષ્ટ્રપતિએ નિયમિતપણે સેના પ્રમુખ સાથે વાતચીત થતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આનાથી એવી અટકળો તેજ બની છે કે આ બળવાખોર વલણમાં સેના પ્રમુખની પણ મૌન સંમતિ હોઈ શકે છે.
શહાબુદ્દીન શેખ હસીનાના નજીકના મનાય છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ મુજીબ વાહિનીના સભ્ય હતા. બાંગ્લાદેશની રચના બાદ તેઓ ન્યાયતંત્રમાં જોડાયા અને બાદમાં આવામી લીગ દ્વારા ફરી સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા. 2023માં શેખ હસીનાએ તેમને રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત કર્યા અને તેઓ સરળતાથી જીતી ગયા હતા. ઓગસ્ટ 2024માં શેખ હસીનાનું તખ્તાપલટ થયા પછી, શહાબુદ્દીન પર પણ પદ છોડવા માટે દબાણ હતું, પરંતુ તેમણે રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો હતો. કહેવાય છે કે યૂનુસની વચગાળાના વડા તરીકેની પસંદગી અને શપથ લેવડાવવામાં પણ તેમની ભૂમિકા મહત્વની હતી, જેના કારણે દેશમાં સૈન્ય શાસન લાગુ થતું અટક્યું હતું.


