ઢાકા, 24 ડિસેમ્બર 2025: Violence in Bangladesh બાંગ્લાદેશના વિદ્યાર્થી નેતા અને ‘ઈન્કિલાબ મંચ’ના સંયોજક હાદીની હત્યાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. હત્યા બાદ બાંગ્લાદેશનું રાજકારણ ગરમાયું છે. મૃતક નેતાના ભાઈ ઓમર હાદીએ મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે તેમના ભાઈની હત્યા આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓને રોકવા માટે કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે.
- સરકારમાં બેઠેલા જૂથે જ રચ્યું કાવતરું
ઢાકાના શાહબાગ વિસ્તારમાં રાષ્ટ્રીય સંગ્રહાલય સામે આયોજિત ‘શહીદી શપથ’ કાર્યક્રમમાં બોલતા ઓમર હાદીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સત્તામાં બેઠેલા એક ખાસ જૂથે જાણી જોઈને આ હત્યા કરાવી છે જેથી દેશમાં અસ્થિરતા ફેલાવી શકાય અને રાજકીય લાભ મેળવી શકાય.
ઓમર હાદીએ જણાવ્યું હતું કે “તમે જ ઉસ્માન હાદીની હત્યા કરાવી છે અને હવે આ જ મુદ્દાનો ઉપયોગ કરીને ચૂંટણી બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છો.” તેમણે વધુમાં ઉમેર્યું કે તેમના ભાઈએ કોઈપણ વિદેશી શક્તિ કે એજન્સી સામે ઝૂકવાનો ઇનકાર કર્યો હોવાથી તેમને રસ્તામાંથી હટાવી દેવામાં આવ્યા છે.
હાદીએ વચગાળાની સરકારને ખુલ્લી ચેતવણી આપી છે કે જો હત્યારાઓને વહેલી તકે સજા નહીં મળે, તો યુનુસ સરકારનું પરિણામ પણ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના જેવું જ આવશે. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, “જો ઉસ્માન હાદીને ન્યાય નહીં મળે, તો તમારે પણ એક દિવસ બાંગ્લાદેશ છોડવાની ફરજ પડશે.”
- કેવી રીતે થઈ હત્યા?
નોંધનીય છે કે, 32 વર્ષીય શરીફ ઉસ્માન હાદી પર ઢાકાની એક મસ્જિદમાંથી બહાર નીકળતી વખતે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ હાદીને વધુ સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 19 ડિસેમ્બરના રોજ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. હાદી 12 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર પણ હતા.
શરીફ ઉસ્માન હાદી એ વિદ્યાર્થી નેતાઓમાંના એક હતા જેમણે 2024ના ઐતિહાસિક જન આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આ આંદોલનને કારણે જ ઓગસ્ટ 2024માં તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાને સત્તા છોડીને ભારત ભાગી જવું પડ્યું હતું. હાદીની હત્યા બાદ ઢાકા સહિત અનેક વિસ્તારોમાં ભારે તણાવની સ્થિતિ પ્રવર્તી રહી છે.


