મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવોઃ ઠાકરે બંધુ બાદ પવાર પરિવાર એક થયો
મુંબઈ, 27 ડિસેમ્બર 2025 : મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી રાજકીય ગણાતા પવાર પરિવારમાં ફરી એકવાર એકતાના સંકેતો મળી રહ્યા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની આગામી ચૂંટણી માટે અજિત પવારની NCP અને શરદ પવારની NCP (SP) જૂથે સાથે મળીને ચૂંટણી લડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જોકે, આ ગઠબંધન જાહેર થતાની સાથે જ શરદ પવાર જૂથમાં મોટું ભંગાણ પડ્યું છે.
અજિત પવાર અને શરદ પવાર જૂથના ટોચના નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મહત્ત્વની ચર્ચા થઈ હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બદલાયેલા સમીકરણોને જોતા, બંને જૂથો હવે પુણે અને પિંપરી-ચિંચવાડ મ્યુનિસિપલ ચૂંટણીમાં ગઠબંધન કરીને મેદાનમાં ઉતરશે. રાજકીય વિશ્લેષકો તેને પવાર પરિવારનું ‘ઘર વાપસી’ કે રણનીતિક એકતા તરીકે જોઈ રહ્યા છે.
- કદાવર નેતા પ્રશાંત જગતાપે છેડો ફાડ્યો: કોંગ્રેસનો હાથ પકડ્યો
પવાર પરિવારમાં એકતાના સમાચારથી કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શરદ પવાર જૂથના કદાવર નેતા પ્રશાંત જગતાપે આ ગઠબંધન સામે નારાજગી વ્યક્ત કરી પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષવર્ધન સપકલે તેમનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, “આજના સમયમાં જ્યારે નેતાઓ સત્તા અને પૈસા પાછળ દોડે છે, ત્યારે પ્રશાંત જગતાપ વૈચારિક કારણોસર કોંગ્રેસમાં જોડાયા છે. આ જોડાણથી 15મી જાન્યુઆરીની ચૂંટણીમાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે.”
આ પણ વાંચોઃ યુપીના કેપ્ટન રિંકુ સિંહે વિજય હજારે ટ્રોફીમાં સદી ફટકારી
પુણે મનપાની ચૂંટણીમાં હવે ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. એકતરફ પવાર પરિવારનું ગઠબંધન છે, તો બીજી તરફ કોંગ્રેસ હવે વધુ આક્રમક મૂડમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પવાર પરિવારનું મિલન મહારાષ્ટ્રના રાજકારણમાં નવો અધ્યાય લખશે, પરંતુ આંતરિક બળવો અને નેતાઓની વિદાય આગામી ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરી શકે છે.
આ પણ વાંચોઃ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ સહિત 48 સ્ટેશનોની ક્ષમતા બમણી કરાશે


