નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: જ્યારે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશો હજુ વર્ષ 2025ના છેલ્લા કલાકો ગણી રહ્યા છે અને અડધી રાતની રાહ જોઈ રહ્યા છે, ત્યારે પ્રશાંત મહાસાગરના ખોળે વસેલા કેટલાક ટાપુઓ પર વર્ષ 2026એ દસ્તક દઈ દીધી છે. ભારત કરતાં લગભગ 9 કલાક પહેલા જ અહીં નવા વર્ષની ઉજવણીના ફટાકડા ફૂટવા લાગ્યા છે. ભારતમાં નવા વર્ષની ઉજવણી માટે યુવાનો દ્વારા અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમજ દિલ્હી, મુંબઈ સહિતના શહેરોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને.
- કિરીબાતીના ‘કિરીતીમાતી’માં સૌથી પહેલી આતશબાજી
દુનિયામાં સૌથી પહેલા નવું વર્ષ 2026 કિરીબાતી દેશના નાનકડા ટાપુ કિરીતીમાતી’માં પહોંચ્યું છે. કિરીબાતી 33 ટાપુઓનો બનેલો દેશ છે. ભૌગોલિક રીતે તે હવાઈ ટાપુની નજીક હોવા છતાં, અહીં નવું વર્ષ આખું એક દિવસ વહેલું ઉજવાય છે. તેની પાછળનું કારણ 1994માં કરવામાં આવેલો ટાઈમ ઝોનનો ફેરફાર છે, જેથી સમગ્ર દેશમાં એક જ તારીખ જળવાઈ રહે.
- ન્યૂઝીલેન્ડના ચૈથમ આઈલેન્ડમાં પણ ઉજવણી
કિરીબાતી બાદ ન્યૂઝીલેન્ડના ચૈથમ આઈલેન્ડ પર પણ 2026ની સવાર પડી ગઈ છે. અહીં માત્ર 600 જેટલી વસ્તી છે, પરંતુ ઉત્સાહ ચરમસીમાએ છે. સ્થાનિક હોટલ માલિક ટોની ક્રૂનએ જણાવ્યું હતું કે, “અમે દુનિયાથી ભલે કપાયેલા હોઈએ, પરંતુ એકબીજા સાથે જોડાયેલા છીએ. અહીં દુનિયામાં સૌથી પહેલા નવા વર્ષનું સ્વાગત કરવું એ એક અદભૂત અનુભવ છે.”
કિરીબાતી ટાપુઓ માટે એક ચિંતાજનક પાસું એ પણ છે કે, તે સમુદ્રની સપાટીથી ખૂબ જ નીચલા સ્તરે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વધતું જતું સમુદ્રનું જળસ્તર આ દેશના અસ્તિત્વ સામે ખતરો ઊભો કરી રહ્યું છે. આમ છતાં, આ ટાપુવાસીઓ દર વર્ષે પૂરા જોશ અને પરંપરાગત નૃત્ય સાથે નવા વર્ષને આવકારે છે.
આ પણ વાંચોઃગુજરાત પોલીસના કર્મચારીઓનો પગાર ગ્રાન્ટના અભાવે અટક્યો


