હિમાચલના સિરમૌરમાં અગ્નિકાંડ: એક જ પરિવારના 6 લોકો જીવતા ભૂંજાયા
નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ગત મધ્યરાત્રિએ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. નૌહરાધાર વિસ્તારના તલાંગના ગામમાં એક મકાનમાં ભીષણ આગ લાગતા ત્રણ બાળકો સહિત કુલ 6 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ તમામ લોકો મકાનમાં જીવતા ભૂંજાયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યો છે.
ડીસી સિરમૌર પ્રિયંકા વર્માએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના રાત્રે અંદાજે 3 વાગ્યે બની હતી. પ્રારંભિક તપાસ મુજબ, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. શોર્ટ સર્કિટ થયા બાદ ઘરમાં રાખેલો ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યો હતો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખું મકાન જોતજોતામાં રાખના ઢગલામાં ફેરવાઈ ગયું હતું.
આ ભીષણ આગ મોહન લાલ નામના વ્યક્તિના મકાનમાં લાગી હતી. દુર્ઘટના સમયે ઘરમાં કુલ સાત લોકો હાજર હતા, જેઓ ત્યાં મહેમાન તરીકે રોકાયા હતા. રાત્રિના સમયે ગાઢ નિદ્રામાં હોવાથી કોઈને બહાર નીકળવાની તક મળી નહોતી. આગ એટલી ભયાનક હતી કે ઘરમાં બાંધેલા કેટલાક પશુઓ પણ જીવતા સળગી ગયા હોવાની માહિતી મળી છે. આ દૂર્ઘટનામાં નરેશ દૂર્ગાસિંહ, તેમની પત્ની તૃપ્તી, કવિતા લોકેન્દ્રભાઈ, સારિકા લોકેન્દ્ર, કૃતિકા લોકેન્દ્ર અને કૃતિક લોકેન્દ્રના મોત થયાં હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા લોકેન્દ્રને સોલન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. લોકેન્દ્રએ આ આગમાં પોતાની પત્ની અને ત્રણ બાળકોને ગુમાવ્યા છે.
SDM સંગડાહ સુનીલ કાયથે જણાવ્યું કે, ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. આ વિસ્તાર અત્યંત દુર્ગમ હોવાથી અને મોબાઈલ નેટવર્કની સુવિધા ન હોવાથી માહિતી મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને રાહત કાર્ય ચાલુ છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે ઊંડી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃમહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, મહાનુભાવોએ કર્યું મતદાન


