તેહરાન, 15 જાન્યુઆરી 2026: મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકા દ્વારા સૈન્ય કાર્યવાહીની આશંકા વચ્ચે ઈરાને આક્રમક વલણ અપનાવીને સીધી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે. ઈરાને એક તસવીર જાહેર કરીને વર્ષ 2024માં પેન્સિલવેનિયામાં ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાની યાદ અપાવી છે અને મેસેજ લખ્યો છે કે, “આ વખતે નિશાન ચૂકશે નહીં.” બગડતી પરિસ્થિતિને જોતા બ્રિટને ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલું પોતાનું દૂતાવાસ કામચલાઉ ધોરણે બંધ કરી દીધું છે. બ્રિટિશ ફોરેન ઓફિસે તમામ ડિપ્લોમેટિક સ્ટાફને પરત બોલાવી લીધો છે અને જણાવ્યું છે કે હવે દૂતાવાસનું સંચાલન ‘રીમોટલી’ (અન્ય સ્થળેથી) કરવામાં આવશે. યુરોપિયન દેશો અને ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધો અત્યારે ન્યૂનતમ સ્તરે પહોંચી ગયા છે.
ઈરાનના સરકારી ટેલિવિઝન અને સોશિયલ મીડિયા પર જુલાઈ 2024ની એ તસવીર વાયરલ કરવામાં આવી છે જેમાં બટલરની રેલીમાં થોમસ ક્રુક્સ નામના બંદૂકધારીએ ટ્રમ્પ પર ગોળીબાર કર્યો હતો. તે સમયે ગોળી ટ્રમ્પના કાનને સ્પર્શીને નીકળી ગઈ હતી. ઈરાની મીડિયાએ આ તસવીર સાથે ફારસી ભાષામાં ધમકી આપી છે કે હવે પછીના હુમલામાં અમેરિકી રાષ્ટ્રપતિ બચી શકશે નહીં.
- ડોનાલ્ડ ટ્રમ્પની ‘ટ્રૂથ સોશિયલ’ પર ચેતવણી
આ વિવાદની શરૂઆત ટ્રમ્પની એક પોસ્ટથી થઈ હતી. ટ્રમ્પે ‘ટ્રૂથ સોશિયલ’ પર લખ્યું હતું કે, “જો ઈરાન શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા પોતાના નાગરિકોની હત્યા કરશે, તો અમેરિકા તેમની મદદ માટે આવશે. અમે આગળ વધવા માટે તૈયાર છીએ.” આ નિવેદનને ઈરાને પોતાના આંતરિક મામલામાં દખલગીરી ગણાવી છે.
એકબાજુ ધમકીઓ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “ઈરાન હજુ પણ વાતચીત માટે તૈયાર છે. છેલ્લા બે દાયકાથી અમારું વલણ સ્પષ્ટ છે કે કૂટનીતિ એ યુદ્ધ કરતા વધુ સારો વિકલ્પ છે.” તેમણે વોશિંગ્ટનને સૈન્ય કાર્યવાહીના બદલે વાતચીતથી ઉકેલ લાવવા વિનંતી કરી છે. જોકે, સાવચેતીના ભાગરૂપે ઈરાને કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે પોતાનું એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.
આ પણ વાંચોઃયુદ્ધનું સંકટઃ અમેરિકાનું આ શક્તિશાળી યુદ્ધજહાજ ઈરાન સરહદે તૈનાત થશે


