IPL: મુસ્તફિઝુર રહેમાન KKR સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરે
કોલકાતા, 16 જાન્યુઆરી 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં ચાલી રહેલા રાજકીય તણાવની સીધી અસર હવે રમતગમત અને ખાસ કરીને આઈપીએલ પર જોવા મળી રહી છે. બાંગ્લાદેશના સ્ટાર ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલ 2026 માંથી રિલીઝ કરી દેવામાં આવ્યો છે. જોકે, આ વિવાદ વચ્ચે મુસ્તફિઝુરે ઉદારતા બતાવી ફ્રેન્ચાઈઝી સામે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
આઈપીએલ 2026 ના મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) એ મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદ્યો હતો. જોકે, બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ સામે થઈ રહેલી હિંસાના વિરોધમાં ભારતમાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા બાંગ્લાદેશી ખેલાડીઓનો વિરોધ શરૂ થયો હતો. આ પ્રચંડ જનતાના આક્રોશને જોતા બીસીસીઆઈએ કેકેઆરને મુસ્તફિઝુરને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
બાંગ્લાદેશ ક્રિકેટર્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ મિથુને ખુલાસો કર્યો છે કે, મુસ્તફિઝુરનો કોન્ટ્રાક્ટ એકતરફી રદ થતા તેઓ KKR સામે કાયદેસરની અથવા વહીવટી લડાઈ લડવાનું વિચારી રહ્યા હતા. પરંતુ ખુદ મુસ્તફિઝુરે આ મામલે મધ્યસ્થી કરી અને લીગલ એક્શન લેવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. મુસ્તફિઝુર ઈચ્છતો નથી કે આ વિવાદ વધુ વકરે.
30 વર્ષીય ફાસ્ટ બોલરે ૨૦૧૬ માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી તેણે 60 મેચ રમી છે, જેમાં 8.13 ની ઈકોનોમી સાથે 65 વિકેટ ઝડપી છે. તેની પાસે સ્લોઅર અને કટરની શાનદાર વિવિધતા છે, જેના કારણે તે ડેથ ઓવર્સમાં અત્યંત અસરકારક સાબિત થાય છે. વર્તમાન સંજોગો જોતા, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં સુધારો ન થાય ત્યાં સુધી બાંગ્લાદેશી ખેલાડીઓ માટે વિશ્વની આ સૌથી મોટી લીગમાં રમવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.


