સુશાંતસિંહ રાજપૂતની કલ્ટ ક્લાસિક ફિલ્મના ડાયરેક્ટરે બદલાતી સિનેમા દુનિયા પર વ્યક્ત કરી ચિંતા
મુંબઈ, 16મી જાન્યુઆરી 2026: વર્ષ 2019માં રિલીઝ થયેલી અને ચંબલના કોતરોની વાસ્તવિકતા રજૂ કરતી ફિલ્મ ‘સોનચિડિયા’ ભલે તે સમયે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હોય, પરંતુ આજે તેને હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણવામાં આવે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન આ ફિલ્મના દિગ્દર્શક અભિષેક ચૌબેએ આજના સિનેમાના માહોલ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જો આજે આ ફિલ્મ બનાવવાનું વિચાર્યું હોત, તો તેનું નિર્માણ અને રિલીઝ બંને અશક્ય હોત.
અભિષેક ચૌબેએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “એક સમય હતો જ્યારે અભિનેતાઓ પાત્રની વાસ્તવિકતા બતાવવા માટે જોખમ લેતા હતા. જો ‘સોનચિડિયા’ આજે બની હોત, તો તેને બનાવવી અને રિલીઝ કરવી બંને મુશ્કેલ હોત. હવે એવા દર્શકો પણ રહ્યા નથી જે આ પ્રકારની ફિલ્મોને પસંદ કરે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “આજે જો હું આ ફિલ્મ બનાવવા જઉં તો મને કલાકારો પણ નહીં મળે. 15-20 વર્ષ પહેલા લોકો વાસ્તવિકતા સાથે જોડાયેલી ફિલ્મો જોવા આવતા હતા અને ફિલ્મ નિર્માતાઓ પાસે પણ પ્રયોગ કરવાની તક હતી. ‘સોનચિડિયા’ એ તે સમયની કદાચ છેલ્લી ફિલ્મ હતી જ્યારે દર્શકોમાં આવી ફિલ્મો માટે ભૂખ હતી.”
ફિલ્મના સહ-લેખક સુદીપ શર્માએ પણ સુર પુરાવતા કહ્યું હતું કે, “આજે આ ફિલ્મ બનાવવા માટે કોઈ 10 રૂપિયા પણ ન આપે. જો ગમે તેમ કરીને ફંડ ભેગું કરીને ફિલ્મ બનાવી પણ લેત, તો દર્શકો તેને જોવા માટે સિનેમા હોલ સુધી ન આવત.”
1975ના સમયગાળામાં ચંબલના ડાકુઓના જીવન અને સંઘર્ષ પર આધારિત આ ફિલ્મમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, મનોજ બાજપેયી, ભૂમિ પેડનેકર અને આશુતોષ રાણા જેવા દિગ્ગજ કલાકારો હતા. ભલે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ નિષ્ફળ રહી હોય, પરંતુ સુશાંત સિંહ રાજપૂતના અભિનય અને અભિષેક ચૌબેના દિગ્દર્શનને કારણે આજે આ ફિલ્મ સિનેમાના ચાહકોમાં અત્યંત લોકપ્રિય છે.


