પશ્ચિમ બંગાળ: ભાજપ-TMCના કાર્યકરો વચ્ચે અથડામણ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
કોલકાતા, 19 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન ભારત અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન પશ્ચિમ બંગાળના પૂર્વી બર્ધમાન જિલ્લામાં આવેલા કાલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDO) ની કચેરી સામે સોમવારે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. મતદાર યાદી સંબંધિત ‘ફોર્મ 7’ જમા કરાવવા મુદ્દે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. પરિસ્થિતિ એટલી વણસી હતી કે પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના કાર્યકરો જ્યારે ફોર્મ 7 (મતદાર યાદીમાંથી નામ રદ કરવા માટેનું ફોર્મ) જમા કરાવવા માટે SDO ઓફિસ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ‘જય બંગલા’ના નારા લગાવી તેમનો રસ્તો રોકી દીધો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કાર્યકરોએ એકબીજાને સાવરણી તથા બૂટ બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સામા પક્ષે ભાજપના કાર્યકરોએ પણ ‘જય શ્રી રામ’ના નારા લગાવી વળતો જવાબ આપ્યો હતો.
સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ કાલના પોલીસ સ્ટેશનના કાફલાએ બંને પક્ષોને અલગ-અલગ જગ્યાએ અટકાવ્યા હતા. જોકે, ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ તૃણમૂલ કોંગ્રેસના એજન્ટ તરીકે કામ કરી રહી છે. ભાજપના કાર્યકરોનું કહેવું છે કે, “તૃણમૂલના ગુંડાઓ અમને ફોર્મ જમા કરાવતા અટકાવી રહ્યા છે અને પોલીસ માત્ર અમને જ રોકી રહી છે. પોલીસ અને TMC વચ્ચે મિલીભગત છે.”
બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસે આ આક્ષેપોને ફગાવી દીધા છે. TMC નેતાઓના મતે ભાજપ ફોર્મ 7નો દુરુપયોગ કરીને મોટા પાયે મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવાનું ષડયંત્ર કરી રહી છે. INTTUC ના જિલ્લા પ્રમુખ સંદીપ બસુએ જણાવ્યું હતું કે, “જો પોલીસ હાજર ન હોત તો અમે ડીજે વગાડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરત. જે લોકો લોકશાહીમાં ખોટું કરી રહ્યા છે તેમનો અમે વિરોધ કરતા રહીશું.”


