મધ્ય-પૂર્વનું યુદ્ધ ભારતની ઈકોનોમીનું ગણિત બગાડશે: મોંઘવારી વધવાની અને GDP ઘટવાની ભીતિ
નવી દિલ્હી, 7 માર્ચ 2026: મધ્ય-પૂર્વમાં વણસતી જતી સ્થિતિને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે. નિષ્ણાતોના મતે, ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના વધતા ટકરાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ઊંચી રહેશે, જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ બ્રન્ટ ક્રૂડ 73થી વધીને 85 ડોલર થયું હતું અને શુક્રવારે તે 94 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે.
વિવિધ બેંકો અને રેટિંગ એજન્સીઓએ મોંઘવારી વધવાની ચેતવણી આપી છે. HDFC બેંકના જણાવ્યા અનુસાર, જો ક્રૂડ ઓઈલ 75 ડોલર સુધી પહોંચે તો મોંઘવારી 0.20 ટકા વધી શકે છે. પ્રિન્સિપલ ઈકોનોમિસ્ટ સાક્ષી ગુપ્તાના મતે જો આ સ્થિતિ લાંબી ખેંચાશે તો મોંઘવારી 0.50 ટકા થી વધુ વધી શકે છે. કેરએજ રેટિંગ્સના જણાવ્યા અનુસાર, રજની સિંહાના જણાવ્યા મુજબ, જો તેલ 80 ડોલર ઉપર રહેશે તો મોંઘવારી 0.10 ટકા વધી શકે છે. DBS બેંકના જણાવ્યા અનુસાર, રાધિકા રાવના મતે, જો તેલ 70 ડોલરના બેઝલાઈનથી ઉપર જશે તો મોંઘવારીમાં 0.30 ટકા સુધીનો વધારો થવાનું જોખમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવી CPI સિરીઝમાં પેટ્રોલ અને ડીઝલનું વેઇટેજ 2.3 ટકાથી વધીને 4.8 ટકા થઈ ગયું છે, જેના કારણે તેલના ભાવમાં થતો વધારો મોંઘવારીના આંકડાને વધુ અસર કરશે. જાન્યુઆરીમાં જ પેટ્રોલ 0.04 ટકા અને ડીઝલ 0.22 ટકા મોંઘા થયા હતા. ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 85 ટકા થી વધુ આયાત કરે છે. જેમાંથી અડધો જથ્થો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. નાણાકીય વર્ષ 26ના પ્રથમ દસ મહિનામાં ભારત તેની જરૂરિયાતનું 47 ટકા તેલ સાઉદી અરેબિયા, UAE, કુવૈત અને ઈરાક જેવા દેશો પાસેથી મેળવ્યું હતું.
ક્રૂડના વધતા ભાવ માત્ર મોંઘવારી જ નહીં પણ આર્થિક વિકાસને પણ રૂંધશે. બેંક ઓફ બરોડાના મદન સબનવીસના મતે સપ્લાયમાં અવરોધ આવતા ગ્રોથમાં 20-30 bpsનો ઘટાડો થઈ શકે છે. RBI ના એનાલિસિસ મુજબ, તેલના ભાવમાં 10 ટકા વધારો થવાથી રિયલ GDP ગ્રોથ 0.15 ટકા ઘટે છે. કેરએજના અંદાજ મુજબ, તેલ 80 ડોલરથી ઉપર રહેતા નાણાકીય વર્ષ 2027માં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ GDP ના 1.3-1.8 ટકા સુધી વધી શકે છે. નોમુરાના મતે તેલના ભાવમાં દર 10 ટકા વધારાથી CADમાં GDP ના 0.4 ટકા જેટલો વધારો થાય છે. જો ક્રૂડ 90 ડોલર થી ઉપર જશે તો સરકારને દરમિયાનગીરી કરવી પડી શકે છે. જોકે, નિષ્ણાતો માને છે કે હાલ પૂરતું રિટેલ ભાવમાં મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે, જેથી ગ્રાહકોને થોડી સુરક્ષા મળી શકે છે.
આ પણ વાંચોઃ મોંઘવારીનો માર: ઘરેલૂ LPG સિલિન્ડરમાં રૂ. 60 અને કોમર્શિયલના ભાવમાં રૂ.115નો તોતિંગ વધારો


