અમેરિકા: રોડ આઇલેન્ડના હોકી એરેનામાં અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
સાન ફ્રાન્સિસ્કો, 17 ફેબ્રુઆરી 2026: અમેરિકાના રોડ આઇલેન્ડ રાજ્યના પાવકેટમાં આવેલી એક આઇસ એરેનામાં ગોળીબારની હૃદયદ્રાવક ઘટના બની છે. આ હિંસામાં એક નાની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં હુમલાખોરનો પણ સમાવેશ થાય છે, જેણે ઘટના બાદ પોતાની જાતને ગોળી મારી દીધી હતી.
આ ઘટના ‘ડેનિસ એમ. લિંચ એરેના’માં બની હતી, જ્યાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે હોકી કાર્યક્રમ ચાલી રહ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરી વચ્ચે અચાનક ગોળીબાર થતા સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી. પાવકેટ પોલીસ પ્રમુખ ટીના ગોન્કાલ્વેસે જણાવ્યું હતું કે, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
પ્રારંભિક તપાસમાં એવા સંકેતો મળ્યા છે કે, હુમલાખોરે સંભવતઃ પોતાના પરિવારના સભ્યોને જ નિશાન બનાવ્યા હતા. ગોળીબારમાં ઘાયલ થયેલા ત્રણ લોકોની હાલત હાલ અત્યંત નાજુક છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામ શાળાઓએ પુષ્ટિ કરી છે કે તેમના વિદ્યાર્થીઓ સુરક્ષિત છે અને તેમને પરિવાર સાથે મિલન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રોડ આઇલેન્ડના ગવર્નર ડેન મેકીએ સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સ્ટેટ પોલીસ અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા જ બ્રાઉન યુનિવર્સિટીમાં પણ આવી જ ફાયરિંગની ઘટના બની હતી જેમાં બે વિદ્યાર્થીઓના મોત થયા હતા.
આ પણ વાંચોઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનનું મુંબઈમાં ભવ્ય સ્વાગત


