નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર 2026: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે દ્વીપક્ષીય વેપાર સંબંધોમાં એક મોટી સફળતા સામે આવી છે. બ્રિટન સરકાર દ્વારા ભારતની ‘કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ’ (CCTS) ને તેના ‘કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ’ (CBAM) હેઠળ કિંમતમાં રાહત આપવા માટે યોગ્ય માપદંડ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણયથી બ્રિટનમાં નિકાસ કરતા ભારતીય ઉત્પાદકો અને નિકાસકારો પર લાગનારા ટેક્સના બોਝમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે.
બ્રિટનના HM ટ્રેજરી દ્વારા ભારતના પાવર મંત્રાલય હેઠળના ‘બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી’ (BEE) ને મોકલેલા સંદેશમાં પુષ્ટિ કરવામાં આવી છે કે CCTS ને બ્રિટનની વિદેશી કાર્બન પ્રાઇસિંગ સ્કીમોની યાદીમાં સામેલ કરી દેવાયું છે. ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા લાંબા સમયથી બ્રિટન સમક્ષ આ મુદ્દે સઘન વાતચીત ચાલી રહી હતી. ભારતે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવા અને કાર્બન ક્રેડિટ સર્ટિફિકેટના વેપાર દ્વારા અર્થતંત્રમાં ઉત્સર્જનની કિંમત નક્કી કરવા માટે આ સ્કીમ અમલમાં મૂકી છે.
બ્રિટન સરકારે વર્ષ 2027થી પોતાનું CBAM (કાર્બન ટેક્સ) લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જેના હેઠળ લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમ, સિમેન્ટ અને ફર્ટિલાઈઝર જેવા કાર્બન-સઘન ઉત્પાદનો પર આયાત શુલ્ક લાગવાનો છે. બ્રિટનની આ માન્યતા મળવાથી હવે ભારતીય આયાતકારો CCTS અંતર્ગત ચૂકવેલ કાર્બન કિંમતના આધારે UK CBAM માં કાર્બન મૂલ્યની રાહત માંગી શકશે. આ વ્યવસ્થાથી ભારતીય સામાન પર બેવડા કાર્બન ટેક્સનું જોખમ ટળશે, કારણ કે ભારતમાં પહેલેથી જ કાર્બન કિંમત ચૂકવાઈ ચૂકી હોવાથી બ્રિટનમાં વધારાના ટેક્સમાંથી રાહત મળશે.
ભારત અને યુકે વચ્ચે માલસામાનનો દ્વિપક્ષીય વેપાર વર્ષ 2025-26 દરમિયાન 25.1 બિલિયન યુએસ ડોલર રહ્યો હતો, જ્યારે સેવા ક્ષેત્રનો વેપાર વર્ષ 2024માં 35.4 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચ્યો હતો. બંને દેશો વચ્ચેના આ નવા સહયોગથી ઉર્જા ભાગીદારી અને વેપારી સંબંધો વધુ મજબૂત બનશે.


