
કાલાવડના સનાળા ગામ નજીક નર્મદાની પાઈપમાં ભંગાણ સર્જાતા 10 ફુટ ઊંચા ફુવારો ઊડ્યો
જામનગરઃ જિલ્લાના કાલાવડ તાલુકામાંથી પસાર થતી નર્મદાની પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીનો 10 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો હતો. લાખો લિટર પાણી ખેડૂતના ખેતરમાં જતાં કપાસના ઊભા પાકને અને જમીનને નુકસાન થયું હતું. જોકે પાણી પુરવઠા વિભાગે પાણીપ લાઈનના ભંગાણની માહિતી મળ્યા બાદ તરત જ કામગીરી શરૂ કરી હતી, અને મરામતની કામગીરી કલાકોમાં પૂર્ણ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામ પાસેથી પસાર થતી નર્મદાની લાઈન ખેતરમાં લીક થઈ હતી. પાણીનો ફોર્સ એટલો તીવ્ર હતો કે 10 ફૂટ ઊંચો ફુવારો ઊડ્યો હતો. ગણતરીની મિનિટમાં જ ખેતરમાં ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. નર્મદાની પાણીની લાઈન લીક થતાં ખેતરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જામનગર જિલ્લામાં એક તરફ વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ખેતરમાં પાણીની લાઈન લીક થતાં કપાસના ઊભા પાકને નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતમાં રોષ જોવા મળ્યો હતો.
જામનગરના પાણી પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, કાલાવડ તાલુકાના સનાળા અને મછલીવડ ગામ વચ્ચે જે નર્મદાની લાઈન લીક થઈ હતી તેનું સમારકામ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, નર્મદાની લાઈનથી પાંચ દેવગા ગામ પાસે આવેલા સમ્પ સુધી પાણી પહોંચાડવામાં આવે છે. જે લાઈન લીક થતા ચાર કલાક સુધી લાઈન ખાલી થવાની રાહ જોવી પડી હતી. લાઈન ખાલી થતા સમારકામ કરવામાં આવ્યું હતું. સમાર કામ પૂર્ણ કરાયા બાદ પાઈપ લાઈનમાં પાણી પુરવઠા સપ્લાયની કામગીરી શરૂ કરવામાં આવી હતી.