
વડોદરાઃ માનહાનીના એક કેસમાં સુરતની કોર્ટે કોંગ્રેસના અગ્રણી અને સાંસદ રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરી હતી. સજા સામે સેશન્સ કોર્ટમાં અપિલ કરવા રાહુલ ગાંધી આજે સુરત આવવાના હોવાથી રાહુલ ગાંધીને આવકારવા માટે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને સુરત પહોંચવાની હાકલ કરવામાં આવી હતી. દરમિયાન વડોદરાના કોંગ્રેસના કાર્યકરો લકઝરી બસમાં સુરત જઈ રહ્યા હતા ત્યારે તેને ભરૂચ હાઈવે પર અટકાવીને તમામ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજરી આપવા આજે આવવાના હોવાથી તેમને આવકારવા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સુરત જવા માટે રવાના થયા હતા. રાહુલ ગાંધી જિંદાબાદના નારા સાથે કોંગ્રેસ કાર્યલયથી કોંગ્રેસ કાર્યકરો ખાનગી બસમાં સુરત જવા રવાના થયા હતા. જોકે, તમામ કાર્યકરો ભરેલી બસને ભરૂચ પોલીસ દ્વારા હાઈવે પર રોકી દેવામાં આવી હતી. બસ સાથે ભરૂચ હેડ ક્વાર્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ કહ્યું કે, પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવી રહ્યો છે. પરંતુ, સત્ય પરેશાન થાય છે, પરંતુ જીત હંમેશા સત્યની થાય છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને આવકારવા સુરત જવા માટે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પુષ્પાબહેન વાઘેલા સહિત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો સવારે રવાના થયા હતા. પરંતુ ભરૂચ પાસે ભરૂચ પોલીસે તમામ કાર્યકરોને ડીટેઇન કરી ભરૂચ હેડક્વાર્ટર ખાતે લઇ ગયા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ પોલીસની કામગીરી ઉપર દમનગીરી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોશીએ જણાવ્યું હતું કે, દેશમાં જે માહોલ બની રહ્યો છે તે લોકશાહી માટે ખતરો છે. દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ-ડિઝલ સહિત જીવન જરૂરી તમામ ચિજવસ્તુઓના ભાવ વધારા સામે કોંગ્રેસ લડત આપી રહી છે. પરંતુ, કોંગ્રેસના અવાજને સરકાર દબાવવા માંગે છે. પરંતુ, “ડરો મત”ના નારા સાથે કોંગ્રેસ દેશના લોકો માટે લડતી રહેશે. સત્ય પરેશાન હો સકતા હૈ, લેકીન જીત હંમેશા સત્યની થાય છે.