 
                                    ડીસામાં પોલીસ સ્ટેશન નજીક બે આખલાં વચ્ચે જામ્યું યુદ્ધ, રખડતા ઢોરથી નગરજનો પરેશાન
પાલનપુરઃ બનાસકાંઠાના ડીસા શહેરમાં રખડતા ઢોરનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ પણ રખડતા ઢોરને મામલે અનેક ફરિયાદો ઊઠી હતી. પણ નગરપાલિકાના સત્તાધિશો દ્વારા પગલાં લેવાયા નથી. રખડતા ઢોરને લીધે અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે શનિવારે શહેરના તાલુકા પોલીસ મથક આગળ બે આખલાઓનું ભારે યુદ્ધ છેડાતા ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં ભયનો માહોલ છવાયો હતો.
બનાસકાંઠામાં પાલનપુર, ડીસા સહિત લગભગ તમામા શહેરોમાં રખડતી ઢોરનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બની ગયો છે. પશુપાલકો પોતાના ઢોરને રસ્તાઓ પર છૂટા મુકી દેતા હોવાથી ટ્રાફિકના પ્રશ્નો પણ સર્જાયા છે. રખડતા ઢોરોને કારણે નાના-મોટા અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં પણ રખડતા ઢોરોની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. એક મહિના અગાઉજ રખડતા ઢોરે અડફેટે લેતા શિવનગરમાં એક યુવતી સહિત મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે શનિવારે તાલુકા પોલીસ મથક આગળ મોડી સાંજે સતત ટ્રાફિકથી અને રાહદારીઓથી ધમધમતા રોડ પર બે આખલાઓ એકબીજા સામે આવી જતા બંને વચ્ચે ભયંકર યુદ્ધ છેડાઈ ગયું હતું. રોડ વચ્ચોવચ આખલાઓની લડાઈ જોઈ ત્યાંથી પસાર થતાં રાહદારીઓ પોતે આ આખલાની ઝપેટમાં ન આવી જાય તે માટે સાઈડમાં સલામત સ્થળે ઉભા રહી ગયા હતા. બંને આખલાની લડાઈ એવી ચાલી હતી કે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કોઈપણ રાહદારીઓએ આ આખલા યુદ્ધ જોતા તેની નજીકથી અવરજવર કરવાની હિંમત કરી ન હતી અને આ બે આખલાની લડાઈ પૂરી ના થાય ત્યાં સુધી ત્યાંથી પસાર થવાનું ટાળ્યું હતું. હવે ડીસા નગરપાલિકાના સત્તાધિશો રખડતા ઢોરના મામલે પગલાં લે તેવી માગ ઊઠી છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

