તેલંગાણામાં 25 લાખનું ઈનામ ધરાવતો માઓવાદી નેતા ઝડપાયો
આંધ્રપ્રદેશઃ તેલંગાણા પોલીસે રૂ. 25 લાખનું ઈનામ ધરાવતા માઓવાદી સંજય દીપક રાવને કુકટપલ્લીના મલેશિયાઈ ટાઉનમાંથી ઝડપી લીધો છે. સંજ્ય રાવ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માઓવાદી)નો સક્રિય નેતાઓ પૈકીનો એક હતો. પોલીસ દ્વારા આરોપીની આગવીઢબે પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તેમના અન્ય સાગરિતોની પણ શોધખોળ આરંભી છે.
તેલંગાણાના ડીજીપી અંજનીકુમારે જણાવ્યું હતું કે, રાવ અહીં પોતાના કોલેજ મિત્રોને મળવા આવ્યો હતો. પોલીસે ગુપ્ત માહિતીના આધારે તેને દબોચી લીધો છે. સંજય રાવ મિત્ર પ્રોફેસર રંજીત શંકરન અને ફિલ્મ એડિટર બી. અજીતકુમાર સાથે બેઠો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના સાગરિતોને ઝડપી લેવા માટે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાવને જ્યારે પકડી લેવાયો ત્યારે તેની પાસેથી રિવોલ્વર, છ કારતુસ, લેપટોપ અને રૂ. 47250ની રોકડ જપ્ત કરવામાં આવી છે. આરોપી અહીંથી છત્તીસગઢ ખાતે સંગઠનના અન્ય સિનિયર માઓવાદી નેતાઓને મળવા જવાનો હતો. આરોપી જમ્મુ-કાશ્મીરની એક ખાનગી ઓન્જિનીયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો
. આરોપી રાવ સીપીઆઈ (માઓવાદી)નો પશ્ચિમ ઘાટનો પ્રભારી હતો. તેને એનઆઈએ ઉપરાંત કેરલ, કર્ણાટક અને મહારાષ્ટ્રની પોલીસ પણ શોધતી હતી. તેની ઉપર રૂ. 25 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન તેલંગાણામાંથી પોલીસે તેને ઝડપી લીધો છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોની પોલીસની સાથે એનઆઈએની ટીમ પણ તેની પૂછપરછ કરશે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

