
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે જુદા જુદા સમાજના અગ્રણીઓને રિઝવવાના ભાજપ સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. બુધવારે પાટિદાર સમાજના અગ્રણીઓની મુખ્યમંત્રી સાથે બેઠક મળી હતી. જેમાં ચર્ચાના અંતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા પોલીસ કેસ પરત કરવાના આદેશ થઈ ચૂક્યા છે. જ્યારે બિન અનામત આયોગની ચેરમેન સહિતની અન્ય ખાલી જગ્યાઓ પણ ઝડપથી ભરી દેવાશે. બિન અનામત આયોગ અને નિગમને વેગવંતુ બનાવવા માટેની કામગીરી ટૂંક સમયમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે.
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ વર્લ્ડ પાટીદાર ફેડરેશન હેઠળ આવતી સંસ્થાના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક કરી હતી જેમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના યુવાનો સામે થયેલા પોલીસ કેસ પાછા ખેંચવાની માંગણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે સમાજના અગ્રણી સી કે પટેલે જણાવ્યું હતું કે આજે પાટીદાર સમાજની છ અલગ અલગ સંસ્થાઓના અગ્રણીઓ ઉપરાંત વર્લ્ડ પાટીદાર ફેડરેશન હેઠળ આવતી 15 જેટલી સંસ્થાના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી સાથે સાનુકૂળ વાતાવરણમાં વિવિધ મુદ્દાઓના અનુસંધાનમાં ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા. આ તબક્કે તેમને પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા પોલીસ કેસ અંગે સરકાર સાથે વાટાઘાટો કરવામાં આવી હતી. જેમાં પાટીદાર સમાજના યુવાનો સામે થયેલા પોલીસ કેસમાં માત્ર 14 કેસ સિવાયના બાકીના તમામ કેસ પાછા ખેંચવાના ઓર્ડર કરી દેવામાં આવ્યા હોવાની વાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ કરી હોવાનું સી કે પટેલે કહ્યું હતું.
આ ઉપરાંત બિન અનામત આયોગ અને નિગમ અંગે પૂછતાં સી કે પટેલે કહ્યું હતું કે આ મામલે પણ ગુજરાત સરકારે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. જેમાં ખાલી પડેલી ચેરમેન સહિતની અન્ય જગ્યાઓ પણ તાત્કાલિક ભરવા માટે મુખ્યમંત્રીએ સહમતિ દર્શાવી છે, અને બિન અનામત આયોગ ને કાર્યરત કરવા માટેના તમામ પ્રશ્નો મુદ્દે તાત્કાલિક નિરાકરણ કરવાની ખાતરી આપી હોવાની કબુલાત કરી હતી તો બીજી તરફ સરકારી નોકરીમાં થતી ગેરરીતી અને અન્યાય બાબતે પણ પાટીદાર સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રી સમક્ષ વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. જેમાં તમામ મુદ્દાઓનું ઝડપથી નિરાકરણ લાવવા સરકાર કટિબદ્ધ હોવાનો દાવો મુખ્યમંત્રીએ કર્યો હોવાનું સી કે પટેલે જણાવ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે આજે મુખ્યમંત્રી સાથે પાટીદાર સમાજના આગેવાનોએ પાટીદારો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવા સરકારી નોકરી સહિતના તમામ મુદ્દાઓ વિશે પરામર્શ કરી મુદ્દાઓનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી જો કે અગાઉ નક્કી થયેલી આ બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વ્યસ્તતાના કારણે રદ થઈ હતી જે બુધવારે મળી હતી.