ગાંધીનગરઃ હાઈવે પરના કોબા સર્કલ નજીક હીય એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલા કોઈ અજાણ્યા વાહને એક રાહદારી આધેડને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને ગફલતભરી હંકારી રોડ ક્રોસ કરતાં 55 વર્ષીય આધેડને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતના બનાવમાં ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, ગાંધીનગરના કોબા પાટીયા નજીક રહેતા ખોડાજી નાગજી ઠાકોર છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેના પિતા નાગજી ગેમરજી ઠાકોર પશુપાલનનો વ્યવસાય કરતા હતા. દરમિયાન સાંજે નાગજી ઠાકોર ઘરનો સામાન લેવા માટે કોબા ગામમાં જવા માટે નિકળ્યા હતા. થોડીક વારમાં જ રોડ ઉપર બુમાબુમ થતા ખોડાજી ત્યાં પહોંચી ગયો હતો. લોકોના રોડ પર એકઠા થયેલા ટોળાં વચ્ચે જઈને જોયું તો તેના પિતા રોડ પર લોહી-લૂહાણ હાલતમાં પડ્યા હતા. લોકોમાં પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે, તેના પિતા ગાંધીનગરથી કોબા સર્કલ તરફનો રોડ ક્રોસ કરતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી ટક્કર મારી નાસી ગયો હતો. જેનાં કારણે ગંભીર ઈજાઓ થવાથી તેઓ લોહી લુહાણ હાલતમાં રોડ પર પડ્યા હતા.
આ અકસ્માતના પગલે રાહદારી વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત કરનાર અજાણ્યો વાહન ચાલક કોબા તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ઈજાગ્રસ્ત નાગજીને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

