
રાજકોટમાં પશુના રજિસ્ટ્રેશન માટે મહિનાનો સમય, ત્યારબાદ નોંધણી વિનાના પશુઓને કબજે કરાશે
રાજકોટઃ રાજ્યના તમામ મહાનગરોમાં રખડતા ઢોર માટે મનપા દ્વારા પોલીસી બનાવવામાં આવી છે. અમદાવાદમાં તો 1લી ડિસેમ્બરથી પોલીસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરમાં વસવાટ કરતા પશુપાલકોએ પોતાના પશુઓ માટે રજિસ્ટ્રેશન કરાવીને પરમિટ લેવી ફરજિયાત છે. ત્યારે રાજકોટમાં આગામી 31 ડિસેમ્બર સુધીમાં એટલો કે એક મહિનામાં તમામ પશુપાલકોએ પોતાના પશુઓ માટે રજિસ્ટ્રેશન કરાવી લેવુ પડશે. જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન કરાવ્યા વિનાના પશુઓને પકડીને કબજે કરાશે. રાજકોટ શહેરમાં હાલ 35 હજારથી વધુ પશુઓ હોવાનો અંદાજ છે. જે પૈકી અત્યાર સુધી 8500 પશુઓને ટેગીંગ અને 6 હજારમાં ચીપ લગાડવાની કામગીરી કરવામાં આવી છે. અટલે મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન બાકી છે. એટલે મ્યુનિ,ના સત્તાધિશો દ્વારા ફરીવાર પશુપાલકોને અપીલ કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટનાં આદેશ બાદ રખડતા ઢોર અંગે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટેની નવી પોલીસી જાહેર કરાઈ ત્યારે 31 ડિસેમ્બર સુધીનો સમય માલધારીઓને પશુઓનાં રજિસ્ટ્રેશન માટે આપવામાં આવ્યો હતો. જોકે માલધારીઓ તેના પશુનું રજિસ્ટ્રેશન કરાવવામાં ઉદાસીન વલણ દાખવતા હોવાથી હજુ પણ ખૂબ ઓછા પશુઓનું રજિસ્ટ્રેશન થયું છે. જેને લઈને મ્યુનિ.ના સત્તાધિશોએ પશુપાલકોને અલ્ટીમેટમ આપ્યું છે. 31 ડિસેમ્બર સુધીમાં તમામ પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવા આદેશો આપ્યા છે. સાથે આગામી 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન વિનાના પશુઓ કબ્જે કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટમાં રખડતા ઢોર પકડવા માટે 24 કલાક કામગીરી ચાલી રહી છે. હાઇકોર્ટનાં આદેશ અનુસાર પશુઓના રજિસ્ટ્રેશનની નવી પોલીસી જાહેર થઈ ત્યારે 2 મહિનાનો સમય માલધારીઓને આપવામાં આવ્યો હતો. આ મુદ્દત આગામી 31 ડિસેમ્બરનાં રોજ પૂર્ણ થાય છે. ત્યારે આ મુદ્દત સુધીમાં માલધારીઓએ તેમના પશુઓનું રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. તેમજ 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન (RFID ટેગ) વિનાના બધા પશુઓને જપ્ત કરવામાં આવશે. શહેરમાં હાલ 35 હજાર જેટલા પશુઓ છે. જે પૈકી અત્યાર સુધી 8500 પશુઓને ટેગીંગ અને 6 હજારમાં ચીપ લગાડવાની કામગીરી કરવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટમાં પશુઓની નોંધણી, ટેગીંગ, લાયસન્સ જેવી કામગીરી માટે ઢોર માલિકોને અંતિમ તક છે. તા.15 કે 17ના રોજ પશુ માલિકોને અંતિમ ચેતવણી આપતી નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યાર બાદ લાયસન્સ વગરના ઢોર શહેરમાં રહેવા દેવામાં આવશે નહીં. આવા પશુ પકડાય તો છોડવામાં પણ નહીં આવે. જોકે માલધારીઓને સુવિધા મળે તેવા પ્રયાસ મ્યુનિ. દ્વારા કરાઈ રહ્યાં છે. આ માટે કોઠારીયામાં વધુ એક એનિમલ હોસ્ટેલ બનાવવા માટે કલેક્ટર તંત્ર પાસે જમીન માંગવામાં આવી છે.