
રાજકોટઃ શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના નાના-મોટા પ્રશ્નોની ફરિયાદો કરી શકે તે માટે શહેર પોલીસ નવતર પ્રયોગ અપનાવવા જઈ રહી છે. પોલીસ દ્વારા શાળા-કોલેજોમાં ફરિયાદ બોક્સ મુકવામાં આવશે. વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિની પોતાના કોઈ અંગત ફરિયાદ હોય તો કાગળ પર લખીને ડ્રોપ બોક્સમાં ફરિયાદ કરી શકશે. પોલીસ સમયાંતરે ફરિયાદ બોક્સમાંથી ફરિયાદો મેળવીને તેનો નિકાલ કરી શકશે. ઘણીવાર છોકરીઓને પરેશન કરતા હોય તે ફરિયાદ કરી શકતી નહતી, આવા કેસમાં છોકરીના નામ જાહેર ન કરીને પોલીસ તેમને મદદ કરશે.
રાજકોટ શહેરમાં શાળા-કોલેજોમાં અંદર અને બહાર બનતી ઘટનાઓ અંગે વિદ્યાર્થીઓ ફરિયાદ કરતાં ક્યાંક ડર અને સંકોચ અનુભવતા હોય છે. જેને લઈને શહેર પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જે અંતર્ગત શહેરની દરેક સ્કૂલ અને કૉલેજમાં ફરિયાદ પેટી મૂકવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાની ફરિયાદ કરી શકશે અને તેમના પ્રશ્નોને તાત્કાલિક નીકાલ લાવવાનો પ્રયાસ કરાશે.
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે થોડા સમય પહેલાં જ થાણા ઈન્ચાર્જોને શહેરની દરેક સ્કૂલ અને કોલેજોમાં ફરિયાદ પેટી મૂકવાનો આદેશ કર્યો હતો.જેથી બી-ડિવિઝન પોલીસે પોતાના વિસ્તારમાં આવેલી તમામ 40 સ્કૂલોમાં ફરિયાદ પેટીઓ મૂકી દીધી છે.
શહેરના બી ડિવિઝનના પોલીસ સૂત્રોના કહેવા મુજબ સ્કૂલ, કોલેજોમાં બનતી ઘટનાઓ અંગે ઘણી વખત છાત્રો ફરિયાદ કરી શકતા નથી.આ સ્થિતિમાં સ્કૂલ,કોલેજોમાં અંદર અને બહાર કોઈ દબાણ,ધમકીની ઘટના કે આવારા તત્વોના ત્રાસ અંગે છાત્રો બેફિકર થઈ ફરિયાદ કરી શકે તે માટે દરેક સ્કૂલોમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. દરેક સ્કૂલોના આચાર્યો અને શિક્ષકોને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ધોરણ 8 થી લઈ ધોરણ 12 સુધીના છાત્રોને પણ ફરિયાદ પેટી અંગે સમજ આપવામાં આવી છે. છાત્ર અને છાત્રાઓને 18 વર્ષથી ઓછી વયમાં લગ્ન કરવા અપરાધ છે, તે સહિતના મહિલાઓને લગતા કાયદાઓની સમજણ આપવામાં આવી છે. (File photo)