થરાદ, 29 ઓગસ્ટ 2026: શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના પવિત્ર તહેવારે સીમા જાગરણ મંચ પાટણ અને વાવ-થરાદ જિલ્લાના કાર્યકરો દ્વારા દેશની સીમાઓ પર અવિરત ચોકી પહેરો આપતા BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) ના વીર જવાનો સાથે અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતભરમાંથી પોતાના પરિવારથી દૂર રહીને ત્યાગ અને બલિદાનની ભાવના સાથે સરહદનું રક્ષણ કરતા જવાનો માટે આ કાર્યક્રમ ભાવુક ક્ષણોથી છલકાઈ ગયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડા BSF મુખ્ય ઓફિસ, ઝીરો પોઈન્ટ, બોરિયા બેટ, નડાબેટ ટુરિઝમ અને આસપાસની વિવિધ ગ્રામીણ ચોકીઓ પર જઈને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા હતા. આ સેવાકીય અને રાષ્ટ્રભક્તિસભર આયોજનમાં અંદાજે 38 જેટલા ભાઈઓ (સૈનિકો) અને 54 જેટલી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સરહદ પર તૈનાત જવાનો પોતાની સગી બહેનોથી દૂર રહીને દેશસેવા બજાવતા હોય છે, ત્યારે તેમની એ જ ખાલીપણાની લાગણી દૂર કરવા માટે ‘સીમા જાગરણ મંચ’ દ્વારા છેલ્લા 18 વર્ષથી સતત સીમા પર જઈને જવાનોને રાખડી બાંધવાની પરંપરા નિભાવવામાં આવે છે. બહેનોએ જવાનોને રાખડી બાંધી તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ધાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી તથા પારિવારિક સ્નેહ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સરહદના રક્ષકો અને બહેનો બંનેની આંખોમાં લાગણીના હર્ષાસુ છલકાયા હતા અને જવાનોએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, “અમને અહીં ક્યારેય એવું નથી લાગતું કે અમારી સગી બહેનો અમારી સાથે નથી, કારણ કે દેશભરમાંથી આવેલી આ બહેનો જ અમારું રક્ષાસૂત્ર બાંધી રહી છે.”

આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં વાવ-થરાદ જિલ્લામાંથી સીમા જાગરણ મંચના પ્રાંત પ્રબોધન પ્રમુખ ડૉ. કનૈયાલાલ પંચાલ, વાવ-થરાદ જિલ્લા અધ્યક્ષ કિશોરભાઈ વ્યાસ, ઉપાધ્યક્ષ ડૉ. લાલજીભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી પુરષોત્તમભાઈ દેસાઈ, યુવા પ્રમુખ વર્ધસિંહ રાજપૂત તેમજ સંરક્ષક કરમણભાઈ પટેલ, રામભાઈ ભુરિયા, બાબુભાઈ પટેલ, રાયમલભાઈ પટેલ અને નારણભાઈ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તે જ રીતે, પાટણ જિલ્લામાંથી કથાકાર સુરેશ મહારાજ, જિલ્લા મહામંત્રી મહાદેવભાઈ, જિલ્લા મંત્રી અનસૂયાબેન, અનિતાબેન તેમજ પાટણ અને તાલુકાના અગ્રણી કાર્યકરો સહ પરિવાર ઉપસ્થિત રહી રાષ્ટ્રભાવનાના આ ઉત્સવમાં સહભાગી બન્યા હતા.


