
પાલનપુરઃ રાજ્યમાં 13મી જુનથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. ત્યારે પાલનપુરમાં શાળાઓ શરૂ થાય તે પહેલા જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહે તે માટે અનોખી પુસ્તક બેન્ક શરૂ કરવામાં આવી છે. શહેરના ગાયત્રી બુક સ્ટોલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પુસ્તક બેંક શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કરી ચૂકેલા ઘરે પડેલા પુસ્તકો બુક સ્ટોલ ઉપર આવી મૂકી જાય છે. અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ બુક સ્ટોલ પરથી પુસ્તકો લઈ જાય છે.
પાલનપુર શહેરના કોજી વિસ્તારમાં આવેલા ગાયત્રી બુક સ્ટોલ ખાતે છેલ્લા ચાર વર્ષથી બુક સ્ટોલના સંચાલક હરેશભાઈ પટેલ દ્વારા પુસ્તક બેંક શરૂ કરવામાં આવી છે. જેમાં જે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી ચૂક્યા હોય તેવા વિદ્યાર્થીઓના ઘરે પડેલા પુસ્તકો આ બુક સ્ટોલ ઉપર મૂકી જાય છે અને જે વિદ્યાર્થીઓને પુસ્તકની જરૂરિયાત હોય છે તેવા વિદ્યાર્થીઓ આ બુક સ્ટોલ પરથી પુસ્તકો લઈ જાય છે. આમ એક સેવાનું માધ્યમ પુસ્તક બેન્ક બની ગઈ છે. શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા પુસ્તક બેંક શરૂ થતાં અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પુસ્તક લેવા માટે આવી રહ્યા છે.
પાલનપુર શહેર અને જિલ્લામાં ઘણાબધા વિદ્યાર્થીઓ જુના પુસ્તકો પસ્તીમાં આપવાને બદલે બુક સ્ટોલ પર મફતમાં આપી જાય છે. અને ત્યારબાદ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ પુસ્તકો આપવામાં આવે છે. આ અનેખી પુસ્તક બેન્કથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે. ઘણીવાર વિદ્યાર્થીઓને જરૂરી હોય એવા પુસ્તકો ન હોય ત્યારે તેમનો ફોન નંબર લઈને પુસ્તકો આવે ત્યારે તેમને જાણ કરવામાં આવે છે.