
અમદાવાદઃ ગુજરાતમાં વિકાસના નામે પર્યાવરણનો નાશ થઈ રહ્યાની ઘણા સમયથી ફરિયાદો ઊઠી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો અને બુલેટ ટ્રેનના જાયન્ટ પ્રોજેકટ ચાલી રહ્યા છે, પણ આ વિકાસ પ્રોજેકટને પૂર્ણ કરતાં પહેલાં અમદાવાદમાંથી 6500 જેટલાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. હવે, ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન પહોંચાડવા માટે વધુ 1000 વૃક્ષ કાપવા માટે મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ગ્રીન કવર ઘટી રહ્યું છે. શહેરમાં નવા બિલ્ડિંગો ઊભા થઈ રહ્યા છે. અને ક્રોંક્રિટનું જંગલ બનતા લીલાછમ વૃક્ષો કપાતા જાય છે. જોકે સ્માર્ટસિટી અમદાવાદને ગ્રીનસિટી બનાવવા સત્તાધીશો મહેનત તો કરી રહ્યા છે, સાથે સાથે વિકાસનાં કામોને પણ વેગ આપવા અલગ અલગ પ્રોજેક્ટો શરૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં અમદાવાદમાં મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેકટ શરૂ થઈ ગયા છે, જેમાં અમદાવાદમાં છેલ્લાં 5 વર્ષમાં મેટ્રો રેલ માટે 2200 અને બુલેટ ટ્રેન માટે 4300 વૃક્ષ કાપવામાં આવ્યાં હતાં, જેમાં 2016-17માં મેટ્રો માટે સૌથી વધુ 792 ઝાડ કાપવામાં આવ્યાં હતાં, જ્યારે 5 વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે માત્ર અમદાવાદમાં જ 4300 વૃક્ષો કપાઈ ગયાં હતાં, જેમાં વર્ષ 2020-21માં જ 2817 વૃક્ષો કપાયાં છે. આમ, અમદાવાદમાં મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 6500 જેટલાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે. હવે અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ માટે પાટનગરનાં એક હજારથી વધુ વૃક્ષોનો વારો આવી રહ્યો છે. મેટ્રો રેલ પ્રોજેકટના એલાઈમેન્ટમાં આવતાં 1000 જેટલાં વૃક્ષોને કાપવા ગુજરાત રાજ્યના વન વિભાગે લીલીઝંડી આપી દીધી છે, પરંતુ કેન્દ્ર સરકારની મંજૂરી મળતાંની સાથે જ આ વૃક્ષો રાતોરાત કપાઈ જવાનાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટને 2022 સુધીમાં કાર્યરત કરવા રાજ્ય સરકારનું આયોજન છે, એના ભાગરૂપે યુદ્ધના ધોરણે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ આ પ્રોજેકટની પ્રાથમિક કામગીરી શરૂ થઈ છે, જેના ભાગરૂપે એલાઈમેન્ટમાં આવતાં એક હજારથી વધુ વૃક્ષો કાપવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.