
ભાવનગરઃ ગોહિલાડ પંથકમાં સક્કરટેટી અને દેશી તડબુચનું સારૂએવું ઉત્પાદન થયું હોવાથી ભાવનગરમાં ઠેર ઠેર તડબુચ અને સક્કરટેટી વેચનારા જોવા મળી રહ્યા છે. અને ભાવમાં પણ ઘટાડો થતાં ભાવેણાવાસીઓ ગરમીના સીઝનમાં તડબુચ અને સક્કરટેટીનો સ્વાદ માણી રહ્યા છે. શહેરમાં ઉનાળાના અમૃત ફળો ગણાતા સક્કરટેટી તથા તરબૂચની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે.
ભાવનગર શહેર-જિલ્લામાં ફળો વેચાણ માટે આવી રહ્યાં છે. શહેરમાં છેલ્લા દસ દિવસથી તરબૂચ, સક્કરટેટીની વિપુલ આવક થતાં ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. જેને કારણે ગરીબ વર્ગના પરિવારો પણ સક્કરટેટી, તરબૂચની મનભરીને જયાફત માણી રહ્યાં છે. આ ગ્રીષ્મફળનું વાવેતરથી લઈને ખેતી ખૂબ સરળ હોય છે આથી દર વર્ષે વધુને વધુ ખેડૂતો આ ખેતીમાં જોડાઈ રહ્યાં છે. શહેરમાં ઉનાળાના આરંભે સક્કરટેટી, તરબૂચનો કિલોગ્રામનો ભાવ 50 થી 60 જેવો હતો, પરંતુ હાલમાં ઘટીને 20 થી 30 રૂપિયા જેટલો થયો છે. તરબૂચ, સક્કરટેટીના શોખીનો દરરોજ આ ફળોની મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. તરબૂચમા ત્રણ વેરાયટી જયારે સક્કરટેટીમાં બે જાત ઉપલબ્ધ છે. શહેરમાં દરરોજ 10 થી 12 ટ્રક ભરીને સક્કરટેટી-તરબૂચની આવક હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દર વર્ષે ભાવનગર શહેર-જિલ્લામાં લોકોની જરૂરિયાત-માંગને ધ્યાનમાં રાખીને શહેરના ખ્યાતનામ ફળ-ફળાદીના વેપારીઓ દરેક સિઝનના ફળો ભાવનગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લા ઓ સહિત પરપ્રાંતમાંથી આયાત કરી બજારમાં વેચાણ માટે મૂકે છે. આ વર્ષે ગોહિલવાડમાં સક્કરટેટીનું સારૂએવું ઉત્પાદ થયું છે. જ્યારે તડબુચનુ ઉત્પાદન પણ શેત્રુંજી નદીના પટમાં સારૂએવું થઈ રહ્યું છે. આ ઉપરાંત તડબુચની અન્ય બે જાતની પણ બહારથી સારાએવા પ્રમાણમાં આવક થઈ રહી છે. જોકે શહેરમાં દેશી તડબુચની વધુ માગ રહેતી હોય છે. અને ભાવમાં પણ સસ્તા હોય છે.