
પાલનપુરના ચિત્રાસણી નજીક એસટી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, 7 પ્રવાસીઓ ઘવાયાં
પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. હાલ અંબાજીમાં પરિક્રમાને લીધે અંબાજી જતા માર્ગો પર ટ્રાફિક વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુરથી ભાજી તરફ જતા ચિત્રાસણી ગામ નજીક રોડ પર એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહતી પરંતુ એસટી બસમાં મુસાફરી કરતા સાત જેટલા પ્રવાસીઓને નાની-મોટી ઈજાઓ થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના 51 શક્તિપીઠ ખાતે પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થ અંબાજી જઈ રહ્યા છે. ત્યારે આજે લાખણીના દેતાલી ગામથી એક બસ શ્રદ્ધાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહી હતી જે સમય દરમિયાન ચિત્રાસણી બાલારામ બ્રિજ વચ્ચે બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર શ્રદ્ધાળુમાં સાત લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે તત્કાલિક એલ એન્ડ ટી વિભાગ તેમજ સ્થાનિક એમ્બ્યુલન્સ પહોંચી સાત જેટલા લોકોને ચિત્રાસણી પીએસસી ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ચિત્રાસણી PHC ના તબીબોએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં 6 થી 7 દર્દીઓને ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દર્દીઓને હાથમાં, પગમાં ઈજાઓ પહોંચી હતી. દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. પેનક્લિનર અને ડ્રેસિંગ વગેરેની સારવાર એક બાદ એક દર્દીની કરવામાં આવી હતી.