
રોહિત અને કોહલીના રાજીનામા બાદ ટેસ્ટ ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે તેને લઈને શરૂ થઈ અટકળો
ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડી રોહિત શર્મા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી રાજીનામાની જાહેરાત કરતા ક્રિકેટ પ્રેમીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી તરફ હવે ટેસ્ટ ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. હજુ સુધી બીસીસીઆઈ દ્વારા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન કોને બનાવવા તેને લઈને કોઈ જાહેરાત કરી નથી, પરંતુ ગિલ અને બુમરાહ સહિતના ખેલાડીઓના નામ ચર્ચાઈ રહ્યાં છે. હવે જોવાનું રહે છે કે, ટેસ્ટ ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે. ત્યારે કેટલાક પૂર્વ ખેલાડીઓ નવા કેપ્ટનને લઈને અનુમાનો લગાવી રહ્યાં છે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોઈન અલીએ કહ્યું હતું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર બેટ્સમેનોની ગેરહાજરી ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડને ફાયદો કરાવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતા મહિનાથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે અને તે પહેલા રોહિત અને કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ શ્રેણી સાથે, ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના આગામી ચક્રની શરૂઆત કરશે.
મોઈન ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેમણે કહ્યું, મને ચોક્કસપણે લાગે છે કે આ ઇંગ્લેન્ડ માટે એક મોટો ફાયદો છે. બે ટોચના ખેલાડીઓ જે ઘણી વખત ઇંગ્લેન્ડના પ્રવાસે આવ્યા છે, તેથી તેમની પાસે અનુભવ છે. મને યાદ છે કે રોહિતે ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં ખરેખર સારું પ્રદર્શન કર્યું હતું. બંનેએ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. તો હા, તે ટીમ માટે એક મોટું નુકસાન છે.
રોહિતના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી ભારતના કેપ્ટનશીપ માટે સૌથી આગળ રહેલા શુભમન ગિલે ક્યારેય સૌથી લાંબા ફોર્મેટ કે વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું નથી. પરંતુ મોઈન માને છે કે ગિલ ભારતની કેપ્ટનશીપ માટે એક શ્રેષ્ઠ પસંદગી હશે, ભલે તેની પાસે સૌથી લાંબા ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કરવાનો અનુભવ ન હોય.