
સુરતમાં આરટીઓની ડ્રાઈવ બાદ છેલ્લા 3 મહિનામાં 794 વાહનો ખાનગીમાંથી ટેક્સી પાસિંગ થયા
સુરતઃ શહેરમાં સ્કુલ વર્ધી સહિત કેટલાક વાહનો પબ્લિક પરિવહન કરતા હોવા છતાંયે ખાનગી રજિસ્ટર્ડ થયેલા હતા. આથી આરટીઓ દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્કુલવર્ધીના વાહનચાલકોને મુદત આપીને ટેક્સી પાસિંગ કરાવી લેવાની સુચના આપવામાં આવી હતી. તેના લીધે
છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ 794 ખાનગી વાહનો ટેક્સી અથવા મેક્સી પાસિંગમાં તબદીલ થયા છે. આ વાહનોમાં મોટા ભાગના સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા વાહનો છે. જેમાં ઈકો વાન, રિક્ષા અને અન્ય મિની વાહનોનો સમાવેશ થાય છે.
સુરત આરટીઓના સૂત્રોના જણાવ્યા મુજબ દર મહિને અંદાજે એક સો જેટલાં વાહનો ટેક્સી પાસિંગ માટે આવે છે. પરંતુ આરટીઓ દ્વારા સરકારની તાકિદ બાદ શરૂ કરાયેલા કડક અભિયાનને પગલે વિતેલા ત્રણ મહિનામાં 794 પાસિંગ થયા છે અને તેમાં પણ છેલ્લાં વીસ દિવસમાં 350 વાહનોનું ટેક્સી પાસિંગ થયું છે. આ ઉપરાંત છેલ્લાં એક સપ્તાહમાં પણ રોજની દસથી વધુ અરજીઓ વિભાગને મળી રહી છે. જેને પગલે મહિનાના અંત સુધીમાં આંક વધીને ઓલ ટાઈમ પાસિંગ હાઈ પહોંચવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ અંગે આરટીઓ કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે, ટેક્સી પાસિંગ થયેલા મોટા ભાગના વાહનો સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા છે. આ માટે આરટીઓ દ્વારા વાલી, શાળા સંચાલકો અને સ્કૂલ વર્ધી વાહન ચાલકો સાથે સતત મિટિંગો કરી તેમને વાહન વ્યવહારના નિયમ ઉપરાંત બાળકોની સુરક્ષા માટે સ્કૂલ વર્ધીમાં સંકળાયેલા વાહનોમાં કયાં પ્રકારની સુવિધા હોવી જોઈએ એનું માર્ગદર્શન અપાયું હતું. શહેરમાં 20 હજારથી વધુ સ્કૂલ વર્દીના વાહનો છે. એક અંદાજ મુજબ, સુરત શહેર અને તેની હદમાં આવતા કામરેજ, કડોદરા, પલસાણા અને ઓલપાડ સહિતના વિસ્તારોમાં 20 હજારથી વધારે વાહનો સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા છે. હાલમાં મોટાભાગે વર્ધીના પ્રાઈવેટ વાહનો ટેક્સી પાસિંગ થઈ રહ્યા છે, પરંતુ આ ક્ષેત્રના ખાનગી વાહનો આજે પણ પાસિંગથી દૂર રહ્યા છે. આ સંજોગોમાં ફરીથી કડકાઈની ડ્રાઈવ શરૂ કરવામાં આવશે.