
અમદાવાદ મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા વિપક્ષ કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કર્યો વિરોધ
અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન કચેરીમાં ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે તે પહેલા વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરને હોબાળો મચાવવામાં આવ્યો હતો. 40 મીનીટ વિરોધ કર્યા બાદ પોલીસ અને સિક્યુરિટીના જવાનોએ બળજબરીથી કોંગ્રેસના કોર્પોરેટરો સહિત કાર્યકરોને હોલની બહાર કાઢ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા સત્તાધારી ભાજપ દ્વારા કરાતા ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવામાં આવ્યો હતો. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવાની હતી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી શરૂ થાય તેના અડધા કલાક પહેલા જ વિપક્ષ દ્વારા મિટિંગ રૂમમાં ઘૂસી જઈ હોબાળો કરવામાં આવ્યો હતો. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ભ્રષ્ટ ભાજપ અને ભ્રષ્ટ મેયર ખુરશી છોડોના નારા લગાવ્યા હતા.
એએમસીના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં ઘૂસી ગયા હતા અને ભાજપ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. ચાલુ વર્ષે ભાજપ દ્વારા બજેટમાં જે જાહેરાતો કરવામાં આવી હતી તેને લઇ સવાલો કર્યા હતા. વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ગત વર્ષના બજેટમાં જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે વાયદાઓ હજી સુધી પૂર્ણ કર્યા નથી અને હવે ચાલુ વર્ષે નવા બજેટ આમાં આવી રહ્યું છે, પરંતુ તેઓ દ્વારા હજી સુધી જુના વાયદા પૂરા કરવામાં આવ્યા નથી. આથી સ્ટેન્ડિંગ કમિટી શરૂ કરવા દેવામાં આવશે નહીં.
મ્યુનિ.ના વિપક્ષના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, રૂપિયા 250 કરોડના ખર્ચે દરેક વોર્ડમાં બે વાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે. પરંતુ હજી સુધી માત્ર છ જ વાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે. તમામ પિંક ટોયલેટ બનાવવાની વાત હતી પરંતુ હજી સુધી કેટલાક જ પિંક ટોયલેટ બન્યા છે. મહિલાઓ માટે યોગા, મેડીટેશન સેન્ટર બનાવવાના હતા. જે હજી સુધી બન્યા નથી. આમ બજેટમાં જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે પૂરા થયા નથી.
એએમસીની મુખ્ય કચેરીમાં કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં બેસી વિરોધ કરવામાં આવતા એએમસીના વિવિધ વિભાગના અધિકારીઓ જેઓ સ્ટેન્ડિંગ કમિટીમાં હાજરી આપવાના હતા તે તમામ અધિકારીઓને રૂમની બહાર ઉભા રહેવું પડ્યું હતું. છેવટે કંટાળીને અધિકારીઓને અન્ય કોન્ફરન્સ રૂમમાં બેસવું પડ્યું હતું. જ્યારે મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તો પોતાની ઓફિસ છોડીને સ્ટેન્ડિંગ કમિટીના રૂમમાં પણ આવ્યા ન હતા. સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં 40 મિનિટ સુધી વિરોધ કર્યા બાદ કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને પોલીસે સમજાવી અને બહાર કાઢ્યા હતા. જોકે, કોંગ્રેસ દ્વારા જે પણ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે ત્યાં ઉપર સફેદ કપડું મૂકી દેવામાં આવ્યું હતું અને કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તેને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.