અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ કાર્યરત કરાર આધારિત આરોગ્યકર્મીઓના પગારમાં 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત આરોગ્ય કર્મચારીઓ ઘણા વખતથી પગાર વધારાની માગણી કરી રહ્યા હતા. આખરે મુખ્યમંત્રીએ પગાર વધારવાનો નિર્ણય કર્યો છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM) હેઠળ 11 માસના કરાર આધારિત કાર્યરત ટેક્નિકલ અને નોન ટેક્નિકલ સંવર્ગના આરોગ્યકર્મીઓના પગારમાં 25 ટકાનો વધારો કરાયો છે. ટેક્નિકલ અને નોન ટેક્નિકલ 100 જેટલી કેડરમાં પગાર અને લઘુતમ વેતનમાં વધારો કરાયો છે. રાજ્યના અંદાજિત 26,000થી વધુ આરોગ્યકર્મીઓને આ નિર્ણયનો લાભ મળશે. તા.1-3-2024ના ઠરાવથી આ નિર્ણય અમલી બનશે. આરોગ્યકર્મીઓની લાગણીઓને કેન્દ્રમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર માસિક રૂ. 18.15 કરોડ અને વાર્ષિક રૂ. 217.484 કરોડનો બોજો પડશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પખવાડિયા પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કર્યો હતો. રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારી અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળ્યો છે. મોંઘવારી ભથ્થામાં વધારાની 8 મહિનાની તફાવત રકમ, એરિયર્સ ત્રણ હપતામાં પગાર સાથે ચૂકવવામાં આવી રહી છે. મોંઘવારી ભથ્થાની 8 મહિનાની, એટલે કે 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપતામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. ઉપરાંત જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે 2024ના પગાર સાથે કર્મચારીઓને ચૂકવાશે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

