
અમદાવાદ મ્યુનિ.ના આરોગ્ય વિભાગનું મચ્છર નાબુદી માટે અભિયાન, દર ગુરૂવારે ડ્રાય ડે ઊજવાશે
અમદાવાદઃ શહેરમાં શિયાળો હજુ જામ્યો નથી, હાલ ગરમી અને ઠંડી એમ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે બે ઋતુને કારણે વાયરલ કેસમાં વધારો થયો છે. હજી પણ શહેરમાં મચ્છરજન્ય ડેન્ગ્યુનો કહેર યથાવત છે. ડેન્ગ્યુના કેસો વધતાંની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા માટે અઠવાડિયામાં એકવાર “મચ્છર નાબુદી અભિયાન , ડ્રાય ડે” નો પ્રારંભ કર્યો છે. દર ગુરૂવારે શહેરના સાત ઝોનના તમામ વોર્ડના સ્લમ/નોન સ્લમ વિસ્તારોમાં કુલ 1,54,693 ઘરોની મુલાકાત કરીને દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દર ગુરૂવારનો દિવસ ડ્રાય ડે તરીકે મનાવાશે. એટલે કે, આરોગ્ય વિભાગની ટીમ રોગચાળો અટકાવવા વિવિધ કામગીરી હાથ ધરશે. ગયા ગુરૂવારે પણ આરોગ્યની ટીમ દ્વારા સ્લમ અને નોન-સ્લમ વિસ્તારોની મુલાકા લઈને કામગીરી કરી હતી. અને જે જગ્યાએ મચ્છરનું બ્રિડીંગ મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને 10,661 પાત્રોને તાત્કાલીક ખાલી કરાવી નિકાલ કરાયો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હેલ્થ મેલેરીયા વિભાગ દ્વારા હાલની મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે તમામ સ્તરે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને ડેન્ગ્યુ રોગના નિયંત્રણ માટે લોકોનો સહકાર મળી રહે તે ખુબ જ જરૂરી છે. ડેન્ગ્યુ રોગના અસરકારક નિયંત્રણ માટે અમદાવાદ શહેરમાં અઠવાડિયાના દર ગુરૂવારના દિવસે “મચ્છર નાબુદી અભિયાન – ડ્રાય ડે”ની ઉજવણી કરવામાં આવશે.
મ્યુનિના આરોગ્ય વિભાગના ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ગુરૂવારે પાણી સંગ્રહ કરવામાં આવતા તમામ પાત્રો જેવા કે કેરબા, પક્ષીચાટ, હવાડા, પાણીની ટાંકીને ખાલી કરી કાથી અથવા કુચાથી ઘસીને સાફ કરવુ જોઈએ. જેથી પાણીના પાત્રની સપાટી પર ચોટી રહેલ મચ્છરના ઈંડાનું નાશ થાય. જો આવી રીતે સફાઈ ન કરવામાં આવે તો પાણીના પાત્રની સપાટી પર મચ્છરના ઈંડા ચોટી રહે છે જે એક વર્ષથી વધારે પણ ઘણા લાંબા સમય સુધી જીવિત રહે શકે છે.ડેન્ગ્યુ રોગ માટે જવાબદાર “માદા એડીસ” મચ્છરમાં “ટ્રાન્સઓવેરિયન ટ્રાન્સમીશન” જોવા મળે છે જેમા એક ચેપી માદા એડીસ મચ્છર જે ઇંડા મુકે છે એજ ઇંડા મારફતે અન્ય ચેપી મચ્છર પેદા થાય છે જે માદા મચ્છર ડેન્ગ્યુ ફેલાવામાં સમર્થ હોય છે.