
અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માવઠાંની આગાહી કરવામાં આવી હતી. કમોસમી વરસાદની આગાહીના પગલે રવિવારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. એક કલાકમાં શહેરમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરનો એક પણ વિસ્તાર એવો નહોતો કે જ્યાં વરસાદ પડ્યો ન હોય. વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર શહેરમાં વરસાદ પડ્યો હતો. સાંજે 7 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પડ્યો હતો. વરસાદને કારણે વાસણા બરેજના બે દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા હતા.
શહેરના પશ્વિમ વિસ્તાર ઉપરાંત પૂર્વ વિસ્તારના નિકોલ, નરોડા, વસ્ત્રાલ, રામોલ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. ખૂબ જ ભારે ઠંડા પવન સાથે વરસાદ પડ્યો હતો. સવારે બે કલાક વરસાદ પડ્યા બાદ બપોરે થોડો તડકો નીકળ્યો હતો પરંતુ, સાંજે 5 વાગ્યા બાદ ફરી એકવાર શહેરમાં અંધારપટ છવાયો હતો અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. એસજી હાઇવે, પ્રહલાદ નગર, સેટેલાઈટ, જગતપુર, ગોતા, ચાંદખેડા, વૈષ્ણોદેવી, આનંદનગર, જોધપુર શિવરંજની, રાણીપ, ન્યુ રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વાસણા બેરેજના ગેટ નંબર 25 અને 26 એમ 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 5224 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. માત્ર સરેરાશ દોઢ ઈંચ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. શિયાળામાં અષાઢી વાતાવરણ ઊભું થયું છે અને શહેર આખું હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હોય એવો માહોલ જોવા મળ્યો છે. શહેરમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. જેના કારણે વાહનચાલકોને લાઈટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી હતી.
અમદાવાદ શહેરમાં ચોમાસામાં પણ અન્ય જિલ્લાઓમાં સરખામણીમાં સરેરાશ ઓછો વરસાદ પડતો હોય છે, તેવામાં માવઠાંની આગાહી વચ્ચે અમદાવાદનું આકાશ વરસાદી વાદળોથી ઘેરાતાં શિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. ગત રાતથી જ 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. રવિવારે વહેલી સવારથી જ વાદળો સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. હજુ બે દિવસ વરસાદની આગાહીને લીધે તંત્ર એલર્ટ બન્યુ છે.