
અમદાવાદના સૌથી જુના લોકમાન્ય ગાર્ડનને રિડેવલોપ કરીને સુવિધાસભર બનાવાયો, કાલે લોકાર્પણ
અમદાવાદઃ શહેરમાં અંગ્રેજોના શાસન દરમિયાન વિક્ટોરિયા ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. શહેરના એલિસબ્રિજ અને ગુર્જરી બજારની પડખે આવેલા વિક્ટોરિયા ગાર્ડન કે જેને હવે લોકમાન્ય તિલક ગાર્ડન તરીકે ઓળખવામાં આવે છે. ઈ.સ. 1897માં વિક્ટોરિયા ડાયમંડ જ્યુબિલી ગાર્ડનના નિર્માણનો પ્રસ્તાવ મુક્યા બાદ 7 જાન્યુઆરી 1910નાં રોજ ક્વિન વિક્ટોરિયાના માનમાં જાણીતા શિલ્પકાર એચ. જી. મહાત્રે દ્વારા નિર્મિત ક્વિન વિક્ટોરિયાનાં માર્બલનાં સ્ટેચ્યૂનું ગાર્ડનમાં અનાવરણ કરાયું હતું. જે ગાર્ડન સમય જતા બિસ્માર હાલતમાં આવી ગયો હતો. જેથી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા વિક્ટોરિયા ગાર્ડનને નવજીવન આપવા ટોરેન્ટ ગ્રૂપનાં UNM ફાઉન્ડેશનની પહેલ પ્રતિતી અંતર્ગત તેનું રિસ્ટોરેશન કરાયું છે. 34,000 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલા આ ગાર્ડનને દોઢ વર્ષની કામગીરી બાદ જીવંત કરાયો છે. આ ગાર્ડનને આવતીકાલે શુક્રવારને 3 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનતા માટે ખુલ્લો મુકશે.
શહેરના વિક્ટોરિયા ગાર્ડનના નામે ઓળખાતા લોકમાન્ય તિલક ગાર્ડનને ટોરેન્ટ ગૃપના ફાઉન્ડેશન દ્વારા રિડેવલોપ કરાયો છે. આ ગાર્ડનને આવતીકાલે શુક્રવારને 3 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનતા માટે ખુલ્લો મુકશે. ગાર્ડન શહેર અને શહેરવાસીઓના સામાજિક, આર્થિક અને શારીરિક સુખાકારીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એક સદીથી વધુ જૂનો ઈતિહાસ ધરાવતા આ વિક્ટોરિયા ગાર્ડનનો ટ્રેડિશનલ પ્લાન અકબંધ રહે તેવી રીતે તેને રિસ્ટોર કરવાનો ચેલેન્જ હતો. જેને પાર પાડીને ગાર્ડનનું નવીનીકરણ કરાયું છે. આ ગાર્ડન 7.5 કરોડનાં ખર્ચે તૈયાર કરાયો છે. અને સાત લાખનો ખર્ચ મહિને મેન્ટેન કરવા પાછળ થશે, આ ગાર્ડનના રિડેવલપમાં 800 ફૂટ ઊંડા રેઈન વૉટર હાર્વેસ્ટિંગનાં 2 કૂવા તૈયાર કરાયા જે વરસાદી પાણીનો સંગ્રહ કરશે. આ ગાર્ડનમાં ત્રણ શિફ્ટમાં કુલ 15 સિક્યોરિટી ગાર્ડ્સ ફરજ બજાવશે. ગાર્ડનમાં 1 લાખ લિટર રોજ પાણીનો છંટકાવ કરાશે. તેમજ 20 જેટલા રોટેશન સિસ્ટમવાળા ડસ્ટબિન મુકવામાં આવ્યાં છે, હાલ 25 વ્યક્તિઓ સતત ગાર્ડનની સફાઈ અને પાણી નાખવાનું કામ કરી રહ્યા છે
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વિક્ટોરિયા ગાર્ડનને રિડેવલોપમેન્ટ કરાતા ગાર્ડનમાં બેન્ડ સ્ટેન્ડ તૈયાર કરાયું છે. જે બપોરનાં સૂર્યપ્રકાશમાં તેના આકારનાં પડછાયાને લીધે ગાર્ડનમાં સુંદરતા પાથરશે. જેની સામેના ગાર્ડનમાં 200 વ્યક્તિઓ બેસીને યોગ કરી શકે તેવી જગ્યા પણ તૈયાર કરાઈ છે. 3 ગઝીબો ઓપન સીટિંગ અરેન્જમેન્ટની સાથે 3 કવર્ડ સીટિંગ અરેન્જમેન્ટ છે. ગાર્ડનમાં 8 લાખના ખર્ચે 20 ખજુરીના ઝાડ લગાવાયા છે. 300 લાઇટ્સના પિલર ઈમ્પ્લાન્ટ કરાયા છે, જે સાંજ પડતા ઓટોમેટિક ચાલુ થઈ જશે. ઉપરાંત ગાર્ડનમાં 3 ચિલ્ડ્રન પાર્ક, 1 ઓપન જિમ અને 1 ફ્લડલાઇટ પ્લેગ્રાઉન્ડ છે, જ્યાં વોલિબોલ, ક્રિકેટ કે ટેનિસ રમી શકાશે. તેમજ 550 નવા ઝાડની સાથે 40,000 નવા છોડ લગાવાયા છે. 6 મહિનાનાં ટ્રાયલ બાદ 20 ટકા લાઇમ છારુનાં મિશ્રણ સાથે 2.75 કિલોમીટરનો વોકિંગ ટ્રેક તૈયાર કરાયો છે. આમ વિક્ટોરિયા ગાર્ડન શહેરીજનો માટે માનીતુ ફરવાનું સ્થળ બની રહેશે.