એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પીડિત પરિવારોએ બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવા PM મોદીને પત્ર લખ્યો
અમદાવાદ, 5 એપ્રિલ 2026: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગત વર્ષે સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને 10 મહિના વીતી ગયા હોવા છતાં, મૃતકોના પરિવારો હજુ પણ ન્યાય અને સત્ય માટે વલખાં મારી રહ્યા છે. અમદાવાદમાં મળેલી એક બેઠકમાં ગુજરાતભરના 30 શોકતુર પરિવારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અકસ્માત પાછળનું સાચું કારણ જાણવા માટે ‘બ્લેક બોક્સ’ અને ‘કૉકપિટ વોઈસ રેકોર્ડર’ નો ડેટા સાર્વજનિક કરવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૨ જૂન ૨૦૨૫ના રોજ એર ઈન્ડિયાના વિમાન AI-171 એ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ કાળઝાળ અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૧ મુસાફરો અને જમીન પર હાજર ૧૯ લોકો મળી કુલ ૨૬૦ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા.
પીડિત પરિવારોએ વડાપ્રધાન ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને ડીજીસીએને પણ પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, જો સુરક્ષાના કારણોસર બ્લેક બોક્સનો ડેટા સાર્વજનિક ન કરી શકાય તેમ હોય, તો ઓછામાં ઓછું પીડિત પરિવારો સાથે ખાનગી રીતે શેર કરવો જોઈએ. તેઓ જાણવા માંગે છે કે, શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે માનવીય ભૂલ? દૂર્ઘટનામાં પુત્ર ગુમાવનાર નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, “મારું ઘર હવે ખાલી લાગે છે. કોઈ પણ વળતર આ શૂન્યાવકાશ ભરી શકશે નહીં. અમને પૈસામાં રસ નથી, અમારે બસ એ જાણવું છે કે તે દિવસે ખરેખર શું થયું હતું.” દુર્ઘટનામાં માતાને ગુમાવનાર વાસદના કિજલ પટેલે એર ઈન્ડિયા દ્વારા મુસાફરોના સામાન પરત મેળવવા માટે બનાવાયેલી વેબસાઈટ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, 25 હજાર થી વધુ વસ્તુઓ લિસ્ટ કરવામાં આવી છે, પરંતુ તેની તસવીરો એટલી અસ્પષ્ટ છે કે તે ઓળખવી અશક્ય છે.
ખેડાના રોમીન વોરા, જેમણે પોતાની માતા, ભાઈ અને પુત્રીને ગુમાવ્યા છે, તેમણે તંત્રની કામગીરી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, “ગામડાના ઘણા લોકો ઈમેલ વાપરતા પણ જાણતા નથી, અને વહીવટીતંત્ર માત્ર એક ઈમેલ આઈડી આપીને સંતોષ માની રહ્યું છે. ઈમેલના જવાબમાં 15-15 દિવસ લાગે છે. વધુમાં, પર્સનલ સામાનને પોર્ટલ પર જાહેરમાં પ્રદર્શિત કરવો તે અત્યંત અસંવેદનશીલ બાબત છે.” હાલમાં આ મામલે સરકાર કે એરલાઈન્સ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ પીડિત પરિવારોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમને અકસ્માતની સત્યતા નહીં સમજાય ત્યાં સુધી તેમનો સંઘર્ષ ચાલુ રહેશે.
વધુ વાંચો: વિધાનસભા ચૂંટણી 2026: બૂથ પર હવે બીએસએફ જવાનો તપાસશે મતદારોના આઈડી કાર્ડ


