
સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠુ પકવવા જતા અગરિયાઓએ રણમાં વરસાદી પાણીનો ભરાવો હોવાં છતાં કામકાજનો પ્રારંભ કરી દીધો છે. કચ્છના નાના રણ તરીકે ઓળખાતા અફાટ રણમાં હાલ વરસાદી પાણી ભરાયેલા છે. સામાન્યરીતે રણમાં પાણી સુકાઈ ગયા બાદ અગરિયાઓ મીઠું પકવાવાની કામગીરી શરૂ કરતા હોય છે. પરંતુ આ વખતે અગરિયાઓ ટ્રેક્ટર મારફતે રસ્તો બનાવી રણમાં ધીમી ગતિએ પહોંચી રહ્યા છે. મીઠાના ભાવ સિઝન પહેલા આગોતરા નક્કી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની સરખામણીએ આ વર્ષે મીઠાના ભાવમાં તેજી જોવા મળી છે. જેથી રણમાં અગરિયાઓની સંખ્યામાં વધારો થાય તેવી પણ શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના નાના રણમાં અગરિયાઓ હાર્ડ વર્ક કરીને રોજગારી મેળવતા હોય છે. મીઠુ પકવવા અગરિયા બંધુઓ આઠ મહિના વેરાન રણમાં સમય વિતાવે છે. આ દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કરે છે. ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા, શિક્ષણ, આરોગ્ય કમોસમી વરસાદ, વાવાઝોડા અને નર્મદાના ઓવરફ્લો નીરની સમસ્યાઓ અગરિયા બંધુઓની કાયમી સમસ્યા સમાન છે. મીઠુ પકવવા જતા અગરિયાઓને સુવિધાઓ પૂરી પાડવા અનેકવાર રજૂઆતો થાય છે. છતાં સ્થિતી ‘જૈ સે થે’ જ રહેવા પામી છે. આ વર્ષે પીવાનું પાણી વહેલી તકે અને પુરતી માત્રામાં પીવાનું પાણી મળી રહે તથા નર્મદાના ઓવરફ્લો નીર રણમાં આવતા અટકે તેવી આશા સાથે અગરિયા બંધુઓ રણમાં પહોંચી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, દર વર્ષે મીઠાની સિઝન શરૂઆત પહેલા વેપારીઓ અને અગરિયાઓ એકઠા થાય છે અને મીઠાના આગોતરા ભાવ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે મીઠાના આગોતરા ભાવ 51 રૂપિયા નક્કી કરાતા મીઠુ પકવવા જતા અગરિયાઓની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે. આઠ મહિનાની સિઝન દરમિયાન અગરિયા બંધુઓ પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ અને રણમાં આવતા નર્મદાના ઓવરફ્લો નીરની સમસ્યાથી પીડાય છે. અગરિયાઓ પોતાની સાથે પીવાનું પાણી લઈ જાય છે. ત્યારે આ વર્ષે તંત્ર દ્વારા વહેલી તકે પીવાનું પાણી પહોંચાડવામાં આવે અને તેમની કાયમી સમસ્યાઓ દૂર થાય તેવી આશા સાથે રણ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે.