
અમદાવાદઃ શહેરમાં લો ગાર્ડન નજીકનો વિસ્તાર ડેવલપ કરીને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હેપી સ્ટ્રીટ ઊભી કરવામાં આવી છે. જ્યાં ગાર્ડનની મુલાકાતે આવતા લોકો તેમજ શહેરીજનો પોતાનો મનપસંદ નાસ્તો કરી શકે તે માટે 22 જેટલી ફુડવાન નિયત જગ્યાએ ઊભી રાખવાની મંજુરી આપવામાં આવી છે. ફુડવાનના સંચાલક પાસેથી મ્યુનિ. દ્વારા નિયત ભાડું પણ વસુલવામાં આવે છે. પરંતુ 22 જેટલી ફૂડવાનમાંથી 14 જેટલા ફૂડવાનના માલિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લા છ મહિનાથી ભાડું ન ચૂકવ્યું નથી. આથી મ્યુનિ. દ્વારા એક અઠવાડિયામાં ભાડાની રકમ ચૂકવી દેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. જો 7 દિવસમાં આ ફુડવાન માલિકો ભાડા પેટે રૂ. 78 લાખ જમા નહીં કરાવે તો 14 જેટલી ફૂડવાનને હેપ્પી સ્ટ્રીટમાં ઉભી રહેવા દેવામાં આવશે નહીં.
અમદાવાદના લો ગાર્ડનની હેપી સ્ટ્રીટમાં 14 જેટલા ફુડવાન માલિકોએ 6 મહિનાથી ભાડું ચૂકવ્યું નથી. આ અંગે એએમસીના ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેનના કહેવા મુજબ શહેરના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી હેપ્પી સ્ટ્રીટમાં મ્યુનિ. દ્વારા જાહેર હરાજીથી ફૂડવાન ઊભી રાખવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. જેના પેટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 80 હજારથી લઈ 1.30 લાખ સુધીનું ભાડું વિવિધ ફૂડવાનના માલિકો પાસેથી લેવામાં આવે છે. 22 ફુડવાન હેપી સ્ટ્રીટમાં ઊભા રહે છે. જેમાંથી 14 જેટલા ફૂડવાનના માલિકો દ્વારા છેલ્લા છ મહિનાથી ભાડું ન ચૂકવ્યું નથી. કુલ અંદાજિત 78 લાખ રૂપિયા જેટલું છ મહિનાનું ભાડું ચૂકવવામાં ન આવતા તેઓને એક અઠવાડિયામાં ભાડું ચૂકવવા માટે નોટિસ આપવામાં આવી છે. જો એક અઠવાડિયામાં તેઓ ભાડું નહીં ચૂકવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ફૂડવાનને ઉભી રહેવા દેવામાં આવશે નહીં.
એએમસીના સૂત્રોએ ઉમેર્યું હતું કે, લો ગાર્ડનના હેપી સ્ટ્રીટમાં ફુડવાન માલિકોને કોરોના કાળમાં ધંધો બંધ રહેતા તેમને ભાડામાંથી મુક્તિ પણ આપવામાં આવી હતી. પરંતુ, છેલ્લા છ મહિનાથી આ ફૂડવાનના માલિકો દ્વારા ભાડું ચૂકવવામાં આવતું નથી. જેથી અઠવાડિયામાં ભાડુ ચુકવવા માટે નોટિસ આપવામાં આવી છે. જો ભાડુ નહીં ચૂકવે તો ફુડવાનને નિયત સ્થળે ઊબા રહેવા દેવામાં આવશે નહીં.