
અમરેલી: ખાભાના ઈંગોરોળા ગામમાં પાંચ સિંહ ઘુસ્યા, બે પશુઓનો કર્યો શિકાર
- ઈંગોરોળા ગામે ઘુસ્યા 5 સિંહ
- બે પશુઓના ગામની મધ્યમાં કર્યા મારણ
- લોકોની હાજરીમાં સિંહે માણી મિજબાની
અમરેલી: જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે. સિંહો હવે ખોરાકની શોધમાં જંગલ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે અને પશુનું મારણ કરી રહ્યા છે, જેને લઈ લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. આવામાં ખાંભાના ઈંગોરોળા ગામમાં રહેણાક વિસ્તારમાં 5 સિંહ ઘુસ્યા હતા.
બજાર અને રહેણાક વિસ્તારમાં સિંહ શિકારની શોધમાં હતો, એ વચ્ચે એક પશું આવી ચડતાં સિંહે એનો શિકાર કરી લીધો હતો અને મિજબાની માણી રહ્યો હતો આમ સિંહોએ બે પશુઓના ગામની મધ્યમાં મારણ કર્યા હતા. ગામલોકોને ખબર પડતાં તેમણે સિંહને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંહે આરામથી લોકોની હાજરીમાં જાહેર ચોકમાં મિજબાની માણી હતી. લોકોએ સિંહના ફોટા તેમજ વીડિયો ઉતાર્યા હતા એના વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગામમાં જે રીતે સિંહના દેખાવાની ઘટનાઓ બની રહી છે તેને લઈને ગામના લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. લોકોને લાગી રહ્યું છે કે ક્યારેક કોઈવાર સિંહ અચાનક આવી જશે અને કોઈનું બેધ્યાન હશે તો તે પણ સિંહનો શિકાર બની શકે છે. જાનહાનીની પણ ઘટના બની શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે અમરેલીના કેટલાક વિસ્તારમાં લોકો જૂથમાં નીકળી રહ્યા છે જેથી કરીને બચવાની સંભાવના વધી શકે.