નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર હવાઈ ભાડાંમાં થઈ રહેલા વધારાના મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે અને આ પ્રકારના મનસ્વી ભાડાંને રોકવા માંગે છે. આ માટે તેઓ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)ના ‘ભાડાં મોનિટરિંગ યુનિટ’ને વધુ મજબૂત બનાવી રહ્યા છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા નાયડુએ કહ્યું કે, હવાઈ ભાડાંમાં વધારો સામાન્ય રીતે એટલા માટે થાય છે કારણ કે આ ક્ષેત્ર સંપૂર્ણપણે નિયંત્રિત નથી અને માંગ-પુરવઠામાં અસંતુલન રહે છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “મંત્રાલય આ મુદ્દાને (હવાઈ ભાડાં) ગંભીરતાથી લઈ રહ્યું છે. DGCAની ભાડાં મોનિટરિંગ યુનિટને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. અમે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને માર્ગો પર દેખરેખ વધારી રહ્યા છીએ. સરકાર મનસ્વી ભાડાં પર રોક લગાવવા માંગે છે.” તેમણે ઉમેર્યું કે સરકાર એ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે કે મુસાફરોને દરેક સ્તરે કોઈ મુશ્કેલી ન પડે અને હવાઈ મુસાફરી સુચારુ બની રહે. નાયડુએ હવાઈ ભાડાંમાં વધારાનું એક કારણ ‘માંગ અને પુરવઠામાં અસંતુલન’ અને ઇન્ડિગો એરલાઇનનું તાજેતરનું સંકટ ગણાવ્યું હતું. તેમણે 6 ડિસેમ્બરના રોજ ભાડાંની મર્યાદા નક્કી કરવાના સંબંધમાં કહ્યું, “આપણે બધા ઇન્ડિગો સંકટથી વાકેફ છીએ અને જાણીએ છીએ કે તેનાથી કેટલી મુશ્કેલી થઈ. આ દરમિયાન એક મોટી સમસ્યા એ ઊભી થઈ હતી કે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની ક્ષમતા અંગેના અવરોધો.”
તેમણે કહ્યું કે, ઇન્ડિગો એક મોટી એરલાઇન હોવાથી તેના સંચાલનમાં ઘટાડાને કારણે ભારે વિક્ષેપ અને ફ્લાઇટ્સ રદ્દ થઈ, જેની બીજી બાજુ હવાઈ ભાડાંમાં વૃદ્ધિ થાય છે. “આ જ કારણ છે કે આપણે હવાઈ ભાડાંને યોગ્ય અને પોસાય તેવા રાખવા પડશે, તેથી અમે ભાડાંની મર્યાદા નક્કી કરી છે,” નાયડુએ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે મંત્રાલય હવાઈ ભાડાંમાં વૃદ્ધિના અન્ય કારણો પર પણ નજર રાખે છે અને તેને નિયંત્રણમાં રાખવા માટે હિતધારકો સાથે સતત વાતચીત કરે છે.


