જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં સેનાનું ઓપરેશન, એક આતંકી ઠાર મરાયો
નવી દિલ્હી, 1 એપ્રિલ 2026: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી મોડ્યુલને જડમૂળથી ખતમ કરવા માટે ભારતીય સેના દ્વારા ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. ગાંદરબલ જિલ્લામાં મંગળવાર રાતથી શરૂ થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મળેલી આ મોટી સફળતા અંગે બુધવારે સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી.
શ્રીનગર સ્થિત સેનાની ‘ચિનાર કોર’ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ અંગે વિગતો શેર કરવામાં આવી છે. સેનાને ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી મળી હતી કે ગાંદરબલ જિલ્લાના અરહામા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા છે અને શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે. આ ચોક્કસ માહિતીના આધારે મંગળવાર રાત્રે સેના અને પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સેનાના જણાવ્યા અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન સતર્ક જવાનોએ કેટલાક શંકાસ્પદ શખ્સોને જોયા હતા. જ્યારે સુરક્ષા દળોએ તેમને રોકાવા માટે પડકાર્યા, ત્યારે આતંકીઓએ આત્મસમર્પણ કરવાને બદલે જવાનો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ભારતીય જવાનોએ પણ સ્વબચાવમાં વળતો પ્રહાર કર્યો હતો, જેમાં એક આતંકવાદી ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો. સૈન્યના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે આતંકીઓને શરણે આવવા કહ્યું હતું, પરંતુ તેમણે ફાયરિંગ શરૂ કર્યું. જવાબી કાર્યવાહીમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.”
અરહામા અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ આતંકવાદ વિરોધી અભિયાન ચાલુ છે. સેનાએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે જેથી અન્ય કોઈ શંકાસ્પદ શખ્સ ભાગી ન છૂટે. સ્થાનિકોને સુરક્ષાના કારણોસર ઓપરેશન વાળા વિસ્તારથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ખીણ પ્રદેશમાં વધેલી આતંકી ગતિવિધિઓને જોતા સેના અત્યંત સાવધ બનીને ઓપરેશન પાર પાડી રહી છે.
આ પણ વાંચોઃ ઇઝરાયેલે ઈરાની કુદ્સ ફોર્સના કમાન્ડરને ફૂંકી માર્યો, તેહરાન પર ભીષણ હુમલો


