
પાકિસ્તાનમાં ખોદકામ દરમિયાન નીકળી ગણેશ-હનુમાનની મૂર્તિ, કરાચીના પંચમુખી મંદિરને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવા માગણી
- પાકિસ્તાનમાં બેહદ કિંમતી અને પ્રાચીન 10 મૂર્તિઓ મળી આવી
- કરાચીના પંચમુખી હનુમાન મંદિરના પ્રાંગણમાંથી મળી આવી મૂર્તિઓ
- 1500 વર્ષ જૂનું પંચમુખી હનુમાન મંદિર આસ્થાનું છે કેન્દ્ર

પાકિસ્તાનમાં ખોદકામ દરમિયાન એક મંદિરમાંથી ઐતિહાસિક મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ પાકિસ્તાનના કરાચી શાહી ખાતેના પ્રસિદ્ધ પુંજમુખી હનુમાન મંદિરમાંથી મળી છે. આ મૂર્તિઓમાં હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ મળી છે. આ મૂર્તિઓ બેહદ કિંમતી હોવાનું કહેવાય રહ્યું છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પ્રમાણે, કરાચી ખાતે પંચમુખી હનુમાન મંદિરમાં સોમવારે નિર્માણકાર્ય દરમિયાન ખોદકામમાં હનુમાન અને ગણેશ મૂર્તિઓ મળી છે. તેમાં કલાકૃતિઓ પણ સામેલ છે. મૂર્તિઓની સંખ્યા લગભગ 10 જેટલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ મંદિર સંદર્ભે એવી પણ ચર્ચા છે કે વનવાસ દરમિયાન ભગવાન રામ પણ અહીં આવ્યા હતા. મંદિરનું પુનર્નિર્માણ 1882માં કરવામાં આવ્યું હતું. હવે તેમા ખોદકામ દરમિયાન આ મૂર્તિઓ મળી આવી છે. મંદિરમાં એક હવન કુંડ અને એક નાની સુરંગ પણ મળી છે. સુરંગની અંદર કળશ મૂકવામાં આવ્યો છે.
મંદિર પ્રબંધનનું કહેવું છે કે આ મૂર્તિઓ 1500 વર્ષ જૂની છે. જો કે તેમનું કહેવું છે કે તપાસ માટે પુરાતત્વવિદોને બોલાવવામાં આવ્યા છે. ખોદકામમાં મળી આવેલી મૂર્તિઓ પીળા પથ્થરમાંથી બનેલી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પાકિસ્તાનમાં તાજેતરમાં આવો પહેલો મામલો સામે આવ્યો છે કે જેમા ખોદકામમાં મૂર્તિઓ નીકળી છે. કરાચી સ્થિત પુંજમુખી મંદિર પ્રબંધને સરકારને આ મંદિરને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવાની માગણી કરી છે.