
અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. સૌરાષ્ટ્રના દરિયામાં નજીક પાકિસ્તાનની જળસીમા આવેલી છે. ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રના માછીમારો માછીમારી દરમિયાન પાક. જળસીમા નજીક પહોંચતા જ પાક. મરીન દ્વારા ભારતીય માછીમારોનું બંદુકની અણીએ અપહરણ કરવામાં આવતું હોય છે. હાલમાં 600 જેટલા ભારતિય માછીમારો પાકિસ્તાનની જેલમાં કઠિન દિવસો વિતાવી રહ્યા છે. ઘણાબધા માછીમારો તો એવા છે. કે તેમની સજા પણ પુરી થઈ ગઈ છે. છતાં પણ જેલમાંથી મુક્ત કરવામાં આવતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર 600 ભારતીય માછીમારો પાકિસ્તાની જેલમાંથી મુક્ત થવાની રાહ જોઈ રહ્યા છે. બીજીબાજુ અબજો રૂપિયાની 1200થી વધુ ભારતીય બોટો પાકિસ્તાનના કબ્જામાં સડી રહી છે. પોરબંદર સહિતની બોટ અને પોરબંદર સહિત ગુજરાતના માછીમારો પાકિસ્તાનની જેલમાં છે ત્યારે સરકાર માછીમારો અને બોટોને પરત લાવવામાં નિષ્ફળ રહી છે. માછીમારી ઉદ્યોગના કારણે સરકારને કરોડો રૂપિયાનું હૂંડિયામણ મળે છે તેમજ માછીમારી ઉદ્યોગને કારણે અનેક લોકોને રોજગારી મળતી હોય છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ ભારતિય માછીમારોની મુક્તિ માટેના પ્રયાસો કરવા જોઈએ.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, માછીમારો અનેક મુસિબતોનો સામનો કરી રહ્યા છે.એક તરફ ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેથી બોટ માલિકોને રાશન, ડીઝલ, અનાજ, બરફ, ખલાસીઓનો પગાર સહિત એક ટ્રીપ 4 લાખમાં પડતી હોય ત્યારે આવા જોખમ વચ્ચે માછીમારો દરિયો ખેડે છે અને માછલીઓનો પૂરતો જથ્થો ન મળતા ટ્રીપમાં નુકશાની આવતી હોય છે. તો બીજી તરફ પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સી દ્વારા છાસવારે ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી પાકિસ્તાન લઈ જતા હોય છે. હાલ પોરબંદર સહિત ગુજરાતની 1200 થી વધુ બોટો પાકિસ્તાનના કબ્જામાં સડી રહી છે. આ બોટોની કિંમત કરીએ તો અબજો રૂપિયાની કિંમતની થાય છે. જ્યારે પોરબંદર સહિત ગુજરાતના 600 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. અને પોતાના માદરે વતન આવવાની મીટ માંડીને બેઠા છે. ત્યારે સરકાર આ બોટો અને માછીમારોને ભારતમાં પરત લાવવામાં નિષ્ફળ નીવડી છે. જેથી ભારતીય બોટો અને માછીમારોને પરત લાવવા સરકાર દ્વારા પૂરતા પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.