
ભૂજઃ રાજ્યની મોટાભાગની પાંજરાપોળ હાલ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. કોરોનાકાળમાં દેશભરમાં આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ જવાના કારણે દાનની આવક ઓછી થતા ગૌવંશોની સેવા કરતી પાંજરાપોળો હજુ પણ આર્થિક સંકડામણ અનુભવી રહી છે તેવામાં હવે સુકા અને લીલા ચારાના ભાવના વધારાના કારણે સંસ્થાઓને સંચાલનમાં ઔર મુશ્કેલી પડી રહી છે. રાજયની સૌથી મોટી અને ત્રણ વિભાગમાં કાર્યરત રાપરના જીવદયા મંડળ દ્વારા દાતાઓને આ મુશ્કેલીમાં સહયોગ’ આપવા વધુ એક વાર અપીલ કરવાની ફરજ પડી છે.
કોરોનાના કપરા કાળનો પાંજરાપોળના સંચાલકોને પણ સામનો કરવો પડ્યો છે. હજુ પણ કોરોનાકાળથી દાનની આવક હજુ પણ ઓછી જ છે. ડોનેશનની નહીંવત આવક છે, પરંતુ ખર્ચમાં કાપ મુકી શકાય તેમ નથી. રાપર જીવદયા મંડળ પાંજરાપોળના ત્રણ વિભાગમાં હાલ 8000થી વધુ ગૌવંશનો નિભાવ થઈ રહ્યો છે, જેનો દૈનિક ખર્ચ પ્રતિદિન રૂા. 4 લાખનો અને મહિને રૂા. 1 કરોડનો છે. તેવામાં ચારાના ભાવમાં થયેલા વધારાથી ઔર મુશ્કેલી પડી રહી છે. વરસાદ ખેંચાયો હોવાથી ચારો જે 60 રૂપિયે મળતો હતો તે હાલ 80 કે 100 રૂપિયે મળે છે. જેમાં રૂા. 15 થી 25નો ભાવ વધારો થયો છે. જયારે પ રૂપિયે કિલો મળતો સુકો ચારો રૂા. 3ના વધારા સાથે 8 રૂપિયે કીલો મળે છે. આ સાથે દૈનિક નિભાવના ખર્ચમાં ભારે વધારો થઈ રહ્યો છે સામે આવક ઓછી થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં સંસ્થાનું સંચાલન આગળ કેમ ચલાવવું તે એક પ્રશ્ન છે. આવા સમયમાં પણ સંસ્થાના ટ્રસ્ટીઓ કાર્યકરોની દેખરેખ અને દાતાઓના સહયોગથી અબોલજીવોની સેવા સારી રીતે થઈ રહી છે. ભવિષ્યમાં સંચાલનમાં કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે દાતાઓને સંસ્થા દ્વારા દાન આપવા અને સગા સંબંધીઓ, પરિચિત, વેપારીઓને અબોલજીવો માટે દાનની અપીલ કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થાને સી.એસ.આર. ફંડ લેવાની અનુમતી મળી ગઈ છે.