
ગાંધીનગરઃ આસામ રાજ્યના સ્થાપના દિવસે રાજભવનમાં ‘મીની આસામ’ સર્જાયું હતું. ગુજરાતમાં વસી ગયેલા આસામી પરિવારોએ પોતાના રાજ્યના સ્થાપના દિવસની રાજભવનમાં ઉષ્માભેર ઉજવણી કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણીથી બે રાજ્યો વચ્ચેની એકતા વધુ મજબૂત થઈ રહી છે. આપણે બધા એક ભારત માતાના સંતાન છીએ તેની અનુભૂતિ થાય છે. આપણે એક થઈને ‘શ્રેષ્ઠ ભારત’નું નિર્માણ કરવાનું છે.
રાજભવનમાં આસામ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી માટે ગુજરાતમાં વસતા આસામી પરિવારો એકત્ર થયા હતા. આસામથી કલાકારો આવ્યા હતા. આસામના કલાકારોએ બિહૂ – જાપી અને બિહૂ – કાહી નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. જ્યારે ગુજરાતના કલાકારોએ ટીપણી નૃત્ય કર્યું હતું. આસામ અને ગુજરાતના કલાકારોએ સાથે મળીને ‘વંદે માતરમ’ ગીત પર નૃત્યની રજૂઆત કરી ત્યારે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની અનુભૂતિ તાદ્રશ્ય થઈ હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહની તમામ રાજભવનોમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવાની આ પહેલથી ભારતના સાંસ્કૃતિક વૈવિધ્ય અને સમૃદ્ધિનો પરિચય નજીકથી થાય છે, એટલું જ નહીં બે પ્રદેશો વચ્ચે લાગણી અને સંબંધોનો નવો સેતુ સર્જાય છે. તેમણે આસામ રાજ્યના વૈવિધ્ય અને વિકાસની વાતો સાથે આસામી પરિવારોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
આસામના મુખ્યમંત્રી ડૉ. હિમન્તા બિશ્વા સરમાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાતમાં વસતા આસામી પરિવારો માટે ખાસ વિડીયો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આસામના કૃષિ મંત્રી અતુલ બોરાએ પણ વીડિયોના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતમાં વસતા આસામી પરિવારોના અસોમ કલ્ચરલ એસોસિએશનના પ્રમુખ દિગંતા સરમાહ અને સેક્રેટરી દિલીપકુમાર ગોગોઈએ આસામી પરિવારો તરફથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીનું ઝાપી-વાંસની ટોપી અને ગૂમચો-ગમછો પહેરાવીને પરંપરાગત રીતે સન્માન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી આસામી લોકવાદ્ય પેપા અને બાંસુરી થી અત્યંત પ્રભાવિત થયા હતા. ગુજરાતમાં સ્થાયી થયેલા આસામી પરિવારોના વડીલોએ રાજભવનમાં પોતાના રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. રાજભવન પરિસરમાં ઉત્સાહ અને ઉમંગભર્યા તહેવારનો માહોલ સર્જાયો હતો.