
અમદાવાદઃ ગુજરાતમાં ખાદ્યતેલ અને વનસ્પતિ ઘીના જુના ડબ્બાનો ફરીવાર ઉપયોગ કરીને એમાં ખાધ્યતેલ કે વનસ્પતિ ઘી ભરીને વેચવામાં આવી રહ્યું છે. રિસાયકલ ટીનના વપરાશ પર પ્રતિબંધ છે. આમ છતાં સરકારના જ આ નિયમનો ઓઈલ મિલરો, ઉત્પાદકો સરેઆમ ભંગ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત ઓઇલ રિફાઇનરી એસોસિએશન દ્વારા જ આરોગ્યમંત્રી તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયાને રજુઆત કરીને જુના ડબ્બાનો ઉપયોગ કરનારા સામે કડક પગલાં લેવાની માગ કરી છે.
રાજ્યમાં ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘીને પેક કરવા જૂના ડબ્બા (રિસાઇકલ ટીન)ના વપરાશ પર પ્રતિબંધ હોવા છતાંયે નાની કંપનીઓ, મીલરો, તેલ ઉત્પાદકો, ટ્રેડર્સ અને રિપેકર્સ દ્વારા તગડી કમાણી કરવાની લાલચમાં જાહેર આરોગ્ય અને માનવ સ્વાસ્થ્યને ગંભીર જોખમ થાય તે પ્રકારે આવા જૂના ડબ્બા અને રિસાઇકલ ટીનનો બેરોકટોક ઉપયોગ કરી રહ્યા છે. પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા અને સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરતાં આવા ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘી સહિતના જૂના ડબ્બા કે રિસાઇકલ ટીનના વપરાશ કરનારા તેલ ઉત્પાદકો, મીલરો અને રિપેકર્સ વિરુધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા ગુજરાત ઓઇલ રિફાઇનરી એસોસિએશને માગ કરી છે.
ગુજરાત ઓઇલ રિફાઇનરી એસોસિએશન દ્વારા આ સમગ્ર મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયા સહિતના સત્તાવાળાઓને આવેદનપત્ર પાઠવીને એવી રજુઆત કરી હતી કે, ખાદ્યતેલના બજારમાં પુષ્કળ પેકર્સ, રિપેકર્સ, રિલેબર્સ કાર્યરત છે, જેઓ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી એકટ ઓફ ઇન્ડિયાના નિયમો અને જોગવાઇઓનું સરેઆમ ભંગ કરી રહ્યા છે. એફએસએસએ આઇના પ્રકરણ 2.1.2 હેઠળ નિર્ધારિત પેકેજીંગ નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરાઇ રહ્યું છે. વાસ્તવમાં ખાદ્યતેલના પેકિંગ માટે ચોક્કસ પ્રાઇમ ગ્રેડ ટીન પ્લેટનો ઉપયોગ કરવા માટે નિર્ધારિત કરાયું છે. આ નિયનોનું પાલન કરાતું નથી. સરકાર દ્વારા તા. 26-9-2017ના જાહેરનામાથી આવા રિસાઇકલ્ડ અને જૂના ડબ્બા કે ટીનના વપરાશ પર પ્રતિબંધ ફરમાવાયો હતો. તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્યમાં વિવિધ તેલ ઉત્પાદકો, રિપેકર્સ અને નાના મીલરો દ્વારા જૂના ડબ્બા કે રિસાઇકલડ ટીનનો બેફામ ઉપયોગ અને વપરાશ કરાઇ રહ્યો છે. તેથી રિસાઇકલ્ડ ટીન અને જૂના ડબ્બાનો વપરાશ જાહેરહિત અને પ્રજાના આરોગ્યની સલામતી માટે તાત્કાલિક અસરથી બંધ કરાવવા માંગણી કરી છે.