
અમદાવાદઃ આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ શિવાલયોમાં દર્શન અને પૂજા માટે પહોંચી ગયા હતા. અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા બિલેશ્વર, ઓમકારેશ્વર સહિત મહાદેવજીના મંદિરોમાં સવારથી જ ભક્તોએ મહાદેવને પાણી અને દૂધ ચઢાવી અભિષેક કર્યો હતો. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરેલા લોકોને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ જાળવી લોકોએ દર્શન કર્યા હતા. શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિરમાં પણ સવારથી જ લોકો દર્શન માટે પહોંચ્યા હતા.
આજે શ્રાવણ મબિનાના પ્રારંભે પહેલો સોમવાર હોવાથી મંદિરમાં ભીડ થઇ હતી. વહેલી સવારથી જ લોકો મહાદેવના મંદિરમાં પહોંચી પૂજા કરી હતી. હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. મંદિરમાં ગર્ભગૃહમાં પૂજા માત્ર ભીડ ન થાય તેવી વ્યવસ્થા મંદિરોમાં કરવામાં આવી છે. જો કે કેટલાક મંદિરોમાં લોકક માસ્ક વગર પણ પહોંચી ગયા હતા. મોટા મહાદેવના મંદિરોમાં આ વર્ષે ભજન કિર્તન રાખવામાં ન આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આરતીમાં પણ લોકોને પ્રવેશ આપવામાં આવશે નહિ.જ્યારે પૂર્વ અમદાવાદમાં શ્રાવણ માસને લઇને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રખિયાલમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિર, સારંગપુરમાં આવેલા કર્ણમુક્તેશ્વર મંદિર, ઇન્દિરાબ્રિજ પાસે સાબરમતી નદીના પટમાં આવેલા રણમુક્તેશ્વર મંદિર, વસ્ત્રાલ ગામનું પ્રાચિન શિવ મંદિર, સિંગરવામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, એરપોર્ટની દીવાલને અડીને આવેલા કુબેરેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા.
શ્રાવણ મહિનાને પવિત્ર અને તહેવારનો મહિનો ગણવામાં આવે છે કારણકે દેવાધિદેવ મહાદેવની આરાધના માટે આ સર્વશ્રેષ્ઠ મહિનો છે, ભોલેનાથ તો હાજરાહજુર છે પણ કહેવામાં આવે છે કે શ્રાવણ માસ દરમિયાન શંકર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે તો ભોલેનાથ આપણી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે સાથે તહેવારોની મોસમ પણ હવે શરૂ થઈ જશે શ્રાવણ મહિનામાં સાતમ આઠમ,રક્ષાબંધન સહિતના તહેવારો પણ આવે છે.