સુરત મ્યુનિ.કોર્પો.ના સત્તાધિશોને ખાનગીકરણનો મોહ, પાણી, ગટર હવે ખાનગી એજન્સીને સોંપાશે
સુરત: ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને પણ હવે ખાનગીકરણનો મોહ જાગ્યો છે. નળ,ગટર જેવી સુવિધાઓ પણ ખાનગી એજન્સીઓને હવાલે કરવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન પાસે પુરતો સ્ટાફ છે. પુરતું ઈન્ફ્રાસ્ટ્રકચર છે. ક્વોલિફાઈ એન્જિનિયરો છે. છતાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટરશીપના ઓથા હેઠળ શહેરમાં પાણી અને ગટરની સંપૂર્ણ કામગીરી ખાનગી એજન્સીને હવાલે કરવામાં આવશે.
સમગ્ર દેશમાં સુરતમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાણી અને ગટરની અનોખી સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. પાણી અને ગટરલાઇનનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ પાણી અને ગટરની સુવિધા શરૂ કરાશે. જેનો પાયલોટ પ્રોજેક્ટ શહેરના અઠવાલાઇન્સ, ભટાર, પાનસ, ઉમરા, સિટીલાઇટ, પીપલોદ વિસ્તારમાં બનશે. જો આ વિસ્તારોમાં આ યોજના સફળ થશે તો તેને અન્ય વિસ્તારોમાં પણ શરૂ કરવામાં આવશે. ખર્ચમાંથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત મ્યુનિ.કોર્પોરેશન પાણી અને ગટરની યોજનાઓનું નેટવર્ક તૈયાર કરીને લોકોને સુવિધા પૂરી પાડે છે. મ્યુનિને આ તમામ કામગીરી ચાલુ રાખવા અને તેની જાળવણી પાછળ તોતિંગ ખર્ચ કરવો પડે છે. આ સ્થિતિમાં મ્યુનિ.ને આ ખર્ચમાંથી બચાવવા માટે ખાનગીકરણનો નિર્ણય લેવાયો છે. આ યોજના હેઠળ ખાનગી એજન્સી પાણી અને ગટરની સુવિધા જાળવવા માટે સંપૂર્ણ જવાબદારી નિભાવશે. હાલમાં, આ સંદર્ભે તૈયારીઓ શરૂ છે અને ટુંક સમયમાં પાયલોટ પ્રોજેક્ટ મુકાશે. એજન્સીઓ પાસેથી દસ કે પંદર વર્ષ માટે ટેન્ડરો મંગાવવામાં આ યોજના હેઠળ મ્યુનિ.કોર્પોરેશનને કેન્દ્ર સરકાર પાસેથી અનુદાન પણ મળી શકે છે. હાલમાં મ્યુનિ. દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરીને પીપીપી મોડલ હેઠળ પાણી અને ગટરની સુવિધાની કામગીરી અને જાળવણીની કામગીરી કરવા એજન્સીઓ પાસેથી દસ કે પંદર વર્ષ માટે ટેન્ડરો મંગાવવામાં આવશે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

